News of Tuesday, 12th August 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા યથાવત
હવે સાર્વત્રિક વરસાદની રાહઃ વાદળછાંયા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા

રાજકોટ તા. ૧ર :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા યથાવત છે. સર્વત્ર વાદળછાંયા વાતાવરણ સાથે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.
હવે સૌ કોઇ સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહ્યા છે. કોઇ જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે ઝાપટા વરસી જાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨ :. જુનાગઢ સહિત જિલ્લામાં સવારથી મેઘરાજાએ હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસાવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
છેલ્લા ૧૫ દિવસથી જુનાગઢ સહિત સોરઠમાં વરસાદ ખેંચાયો છે અને ધરતી પુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. મેઘ કળપાના અભાવે વાવણી સહિતનો પાક સુકાવા લાગ્યો છે.
દરમિયાન આજે સવારે જુનાગઢ સહિત પાંચ તાલુકામાં મેઘરાજાએ ધીમીધારે કળપા વરસાવી હતી. સવારના ૬ થી ૧૦ સુધીના ૪ કલાકમાં જુનાગઢ ખાતે ૧ મીમી, માણાવદર ૫, વંથલી ૧, વિસાવદર ૬ અને માળીયાહાટીના તાલુકામાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬, મહત્તમ તાપમાન ૩૧.૮, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતિ ૮.૪ કિ. મી. રહી હતી.
મોટી પાનેલી
(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી :.. : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જ વાતાવરણ પલટાયું હતું ધીમીધારે વરસાદ ચાલુ થતા ખેડૂતોમાં આંનદ ની લાગણી છવાઈ છે ગઈકાલે સવારે એક બે રેંડા આવેલ પરંતુ આજ સવારથી સતત ધીમીધારે વરસતા મેઘરાજા એ સમયસર દસ્તક દીધી હોય ધરતીપુત્રો માં ખુશી છવાયેલ છે ઉભા મોલમાં પાણીની જરૂરિયાત સમયે જ વરસાદ આવી જતા કાચું સોનુ વરસ્યું હોય તેવી ખરા સમયની જરૂરિયાત પુરી થયેલ છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
