<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પોરબંદર લોકમેળા દરમિયાન ટ્રાફીક નિયંત્રણ માટે સુચારૂ આયોજન

પ્રતિબંધીત માર્ગ : ટ્રાફીક વનવે : પાર્કીંગ વ્‍યવસ્‍થા

પોરબંદર.તા.,૧૧ : જન્‍માષ્ટમીના  અવસરે ચોપાટી ગ્રાઉન્‍ડ ખાતે જન્‍માષ્ટમી લોકમેળાનું આયોજન તા. ૧૫ થી તા. ૧૯ સુધી પાંચ દિવસ સુધી યોજાનાર છે. જે અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તેમજ સુવ્‍યવસ્‍થિત રીતે ટ્રાફીક નિયમન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નિયત કરેલ રસ્‍તાઓમાં અવર-જવર, પ્રતિબંધ લાદતું, એકમાર્ગીય રસ્‍તાઓ જાહેર કરવા તેમજ મેળા માટે આવતા વાહનો માટે પાર્કીગની જગ્‍યા જાહેર કરવા અંગે પોરબંદર જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ - ૧૯૫૧ ની કલમ - ૩૩(૧)(ખ) અન્‍વયે જાહેરનામું જાહેર કરવામાં આવ્‍યુ છે.

આ જાહેરનામાં અનુસાર આગામી ૧૫ ઓગષ્ટ ૨૦૨૫ થી ૧૯ ઓગષ્ટ ૨૦૨૫ પાંચ દિવસ બપોરના ૧૨.૦૦ કલાક થી રાત્રીના ૦૧.૦૦ કલાક સુધી જુના ફુવારાથી રીલાયન્‍સ ફુવારા સુધી અને નવા ફુવારાથી એસ. ટી. સર્કલ સુધી રીક્ષા (થ્રી વ્‍હીલર તમામ), ફોર વ્‍હીલર (ફોર વ્‍હીલર, બસ, ટ્રક સહિત અન્‍ય મોટા વાહનોને પ્રવેશબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

દદુના જીમથી રીલાયન્‍સ ફુવારા સુધી, એસ.ટી. સર્કલથી ઓશીયોનિક હોટલથી કનકાઈ મંદિર સુધી, ચોપાટી મેળા મેદાનમાં પ્રવેશવાના તમામ ગેઈટથી અંદર લઈ જવા કે બહાર માટે તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ મેળાના આયોજનમાં સંકળાયેલા અને કાર પાસ વાળા વાહનો તથા સરકારી, અર્ધસરકારી વાહનોને તેમજ બીમાર, અશક્‍ત, અપંગ, માણસોને લઈ જતા વાહનોને મુક્‍તિ આપવા અને કર્લીના પુલ તરફથી આવતી એસ.ટી. બસો તથા જયુબેલીના પુલ તરફથી આવતી તમામ બસો રાણીબાગ હેડ પોસ્‍ટ ઓફીસ થઈ બસ ડેપોએ આવવાનું રહેશે.

જ્‍યુબેલી પુલ ચાર રસ્‍તાથી પોરબંદર સીટી તરફ અંદર આવતા જ્‍યુબેલી પુલ તરફ આવવાનો રસ્‍તો, જ્‍યુબેલી ચાર રસ્‍તાથી આવેલ સતીમાના મંદિર પાસે આવેલ બંદર તરફ જતો રસ્‍તો અને માર્કેટ યાર્ડ પાસે આવેલ કડીયા પ્‍લોટ તરફ જતા ખોડીયાર મંદિરવાળો રસ્‍તો ટુ-વ્‍હીલર તેમજ થ્રી વ્‍હીલર વાહન સિવાયના તમામ વાહનો (ફોર વ્‍હીલર, બસ, ટ્રક, સહિત અન્‍ય મોટા વાહનો)નો પ્રવેશ બંધ કરવામાં આવ્‍યો છે. તમામ મોટા વાહનો રોકડીયા હનુમાન તરફ જતા રસ્‍તાથી નરસંગ ટેકરી થઈ પોરબંદર સીટીમાં પ્રવેશ કરી શકશે જેમાં ઈમરજન્‍સી વાહનો માટે છુટ આપવામાં આવી છે.

કમલાબાગથી જુના ફુવારા સુધી ફકત પ્રવેશ આપવા અને સ્‍ટેશન ચોકીથી રામગેસ્‍ટ હાઉસ સુધી ફકત પ્રવેશ આપવા રીક્ષા (થ્રી વ્‍હીલર તમામ), લાઈટ મોટર વ્‍હીકલ (ફોર વ્‍હીકલ વાહનો) માટે વનવે જાહેર કરવામાં આવ્‍યો છે.

જ્‍યુબેલી પુલ તરફથી આવતા ટુ વ્‍હીલર તથા થ્રી વ્‍હીલર માટેનું પાર્કીગ પુર્ણીમાં લોજ પાસેથી જુની કોર્ટ કમ્‍પાઉન્‍ડ દક્ષીણ તરફના ગેઈટથી પ્રવેશ કરી અને કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં પાર્ક કરશે અને ત્‍યાથી વાહન ઉતર તરફના ગેઈટથી બહાર કાઢી રામઝરૂખા વાળા રસ્‍તે થઈ હરીશ ટોકીઝ પાસેથી બહાર જશે તથા સ્‍મશાન પાસે આવેલ ઈન્‍દ્રશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ પાકશ્નગમાં પાર્ક કરશે.

માધવપુર તરફથી આવતા વાહનો થ્રી વ્‍હીલર તથા ફોર વ્‍હીલર માટેનું પાર્કીગ વીર ભનુની ખાંભીથી જુરીબાગ કૈલાશ ગેરેજ થઈ કનકાઈ મંદિરે ખાતે પાર્ક કરશે. હેવી વ્‍હીકલ ટ્રક જેવા વાહનો વિરલા કામદાર કલ્‍યાણ કેન્‍દ્રની પાછળ પાર્ક કરશે.

કર્લીની પુલ તરફથી આવતા વાહનો થ્રી વ્‍હીલર તથા ફોર વ્‍હીલર માટેનું પાર્કીગ ગોઢાણીયા સ્‍કુલ ગ્રાઉન્‍ડમાં વાહનો પાર્ક કરશે. હેવી વ્‍હીકલ ટ્રક જેવા વાહનો બિરલા કામદાર કલ્‍યાણ કેન્‍દ્રની પાછળ પાર્ક કરશે તેમ ટ્રાફીક નિયંત્રણ જાહેરનામામાં જણાવ્‍યું છે.

(12:55 PM IST)