<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ગીર ગઢડાના ધ્રોકડવા ગામે કેસ પાછો ખેંચવાનું કહી સોનલબેન પર પતિનો ધારીયાથી હુમલો

આશાવર્કર તરીકે નોકરી કરતાં મહિલા દિકરી સાથે એક વર્ષથી અલગ રહે છેઃ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

 

રાજકોટ તા. ૧૩: ગીરગઢડા તાબેના ધ્રોકડવા ગામે રહેતાં સોનલબેન લાલજીભાઇ ગુજજર (ઉ.વ.૪૫)ને ગામમાં આવેલા દવાખાના પાસે હતાં ત્‍યારે તેના પતિ લાલજી બાલુભાઇ ગુજ્જરે આવી ધારીયાથી હુમલો કરી હાથે, શરીરે ઇજાઓ કરતાં ઉના, વેરાવળ, જુનાગઢ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ગીરગઢડા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સોનલબેને જણાવ્‍યું હતું કે પતિ લાલજી છુટક મજૂરી અને ખેતી કરે છે. તેના લગ્ન પંદર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક દિકરી છે. એકાદ વર્ષથી પતિ દારૂ પી મારકુટ કરતો હોઇ હેરાન કરતો હોઇ પોતે દિકરીને લઇ એક વર્ષથી ગામમાં જ અલગ મકાનમાં રહે છે અને આશાવર્કર તરીકે નોકરી કરે છે. તેણે પતિ વિરૂધ્‍ધ ભરણપોષણનો કેસ પણ કર્યો છે. આ કારણે પતિ ઉશ્‍કેરાયો હોઇ પોતે ગામના સરકારી દવાખાના પાસે ચાલીને જતા હતાં ત્‍યારે પતિએ ધારીયા સાથે આવી કેસ પાછો ખેંચી લેવાનું કહી હુમલો કર્યો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ગીરગઢડા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(10:51 AM IST)