<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

કચ્છના સરહદી ગામ બાલાસરના મહિલા સરપંચ બનશે દિલ્હીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના મુખ્ય મહેમાન

વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-૨ હેઠળ સરહદી ગામના સરપંચ જમણીબેન રામભાઈ ચૌહાણને લાલ કિલ્લા મધ્યે ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ :  દિલ્હી ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉપસ્થિત રહેવા કચ્છના રાપર તાલુકાના બાલાસરના મહિલા સરપંચ જમણીબેન રામભાઈ ચૌહાણને વિશેષ આમંત્રણ અપાયું છે. કચ્છના સરહદી વિસ્તારના એકમાત્ર મહિલા સરપંચને દિલ્હીથી આ આમંત્રણ આવ્યું છે. જમણીબેન ચૌહાણ રાજપૂત 

ની સાથે તેમના સહયાત્રી તરીકે તેમના પતિ રામ ભાઈ ચૌહાણ રાજપૂત પણ  ભુજથી ફલાઈટમાં દિલ્હી જશે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ૫ એપ્રિલ ૨૦૨૫ ના રોજ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાને મંજૂરી આપી હતી. તેનો ઉદ્દેશ્ય દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર આવેલા ગામોમાં સર્વાંગી વિકાસ કરવાનો છે. આ પ્રોગામ હેઠળ ગામમાં 

વાયબ્રન્ટ વિલેજ તરીકે વિવિધ વિકાસ કાર્યોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્ર સરકારનો હેતુ આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર સોહાર્દ પૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે. સાથે સાથે ક્રોસ-બોર્ડર ગુનાઓને રોકવા અને સીમાવર્તી વિસ્તારોની આંતરિક સુરક્ષા મજબૂત કરવી, સીમાવર્તી નાગરિકોને રાષ્ટ્ર સાથે જોડવા અને તેમને “સીમા સુરક્ષા દળોની આંખ અને કાન” તરીકે વિકસાવવા ઉપરાંત યુવાનો માટે સ્થાનિકે જ રોજગાર અને આજીવિકાના અવસરો પેદા કરવાનો છે. 

ગુજરાતના કુલ ત્રણ સરપંચો દિલ્હી જશે. જેમાં કચ્છના એક માત્ર બાલાસર ના મહિલા સરપંચ જમણીબેન ચૌહાણ રાજપૂત , દિલ્હીમાં યોજાનાર ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્ર સરકાર દ્વારા બોલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડરના ગામોને વિવિધ સુવિધાઓ રસ્તા, વીજળી, પાણી પુરવઠો, મોબાઈલ કનેક્ટિવિટી જેવા મૂળભૂત માળખાનો વિકાસ, સ્માર્ટ ક્લાસ અને શાળાઓ માટે શૈક્ષણિક સંસાધનો. ટુરિઝમ સર્કિટ અને સાંસ્કૃતિક વારસો ધરાવતા સ્થળોનો વિકાસ કરવામાં આવશે. આ માટે સરહદી ગામોની વિશેષ જરૂરિયાતો ઉપર આધારિત ગામ-વિશિષ્ટ અને સીમા-વિશિષ્ટ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. બાલાસરના સરપંચ આજે સાંજે દિલ્હી જવા ભુજથી રવાના થશે. અને ત્યાં ૪ દિવસનું રોકાણ કરશે. તેમના લાયઝન ઓફિસર તરીકે ડિસ્ટ્રકટ પ્રોજેક્ટ ઓફિસર જીતેન્દ્ર રાવલની નિમણુક ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અને તેઓ બાલાસરના સરપંચ સાથે દિલ્હી જશે. (તસ્વીર: મુકેશ રાજગોર. રાપર)

(11:34 AM IST)