News of Thursday, 14th August 2025
ગોરધનભાઇ ધામેલીયાનું વીરપુરની ૪૦ થી વધુ સંસ્થાઓ, સમાજો દ્વારા સન્માન કરાયું
પૂજય જલારામ બાપાના મંદીરના ગાદીપતી પૂજય રઘુરામ બાપાએ આશીર્વચન પાઠવ્યા

વીરપુર, તા., ૧૪: રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા વિશ્વની વિખ્યાત અને શકિતશાળી દૂધ અને ખાદ્ય બ્રાન્ડ અમૂલથી પ્રખ્યાત સહકારી ક્ષેત્રની કંપની ગુજરાત સહકારી મિલ્ક માર્કેટીંગ ફેડરેશન આણંદનાં વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવતા તેમનો સન્માન સમારંભ વિરપુર લેઉવા પટેલ સમાજ તેમજ ગાયત્રી મુકતીધામ-વિરપુર અને જલારામજી વિરપુર દૂધ ઉત્પાદક સહ મંડળીના સયુંકત ઉપક્રમે યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે યુવા ધારાસભ્ય, જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજય રધુરામ બાપા હાજર રહીને આશીર્વચન પાઠવ્યા હતા,
GCMMF (અમૂલ ફેડરેશન) ના વાઈસ ચેરમેન તરીકે ચૂટાયેલ ગોરધનભાઈ ધામેલીયાનું વિરપુર જુથ સેવા સહકારી મંડળી, લેઉવા પટેલ સમાજ, ગાયત્રી મુકતીધામ, જલારામ મંદિર ટ્રસ્ટ,બ્રહમા કુમારી (ઓમશાંતિ) સંસ્થા-વિરપુર તેમજ વિરપુર ગામનાં ચાલીસ થી વધુ તમામ જ્ઞાતિ-સમાજનાં આગેવાનો, તમામ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ફુલહાર, પુષ્પગુચ્છ અને શાલ-મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.
આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી જયેશભાઈ રાદડીયાએ જણાવેલ હતુ કે વિરપુર ગામ અને જેતપુર તાલુકા માટે તો ગૌરવની વાત છે સાથે સાથે જિલ્લાના સહકારીક્ષેત્ર માટે પણ ગૌરવની વાત છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ ડેરીનાં ૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત અમૂલ ફેડરેશનમાં વાઈસ ચેરમેન તરીકે પ્રભુત્વ મળેલ છે.
ગોરધનભાઈ ધામેલીયાએ વિરપુર ગામની સર્વે જ્ઞાતિ, સમાજ, સંસ્થાઓ તરફથી સન્માન સ્વીકારતા જણાવેલ હતું કે રાજકોટ ડેરીમાં મેં અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારી ત્યારે રાજકોટ ડેરીનો નફો રૂા. ૪ કરોડ હતો તે ૫ વર્ષના મારા અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં રૂા. ૮૦ કરોડે પહોંચાડેલ અને પશુપાલકોને રૂા.૬૦ કરોડ જેટલી માતબર રકમનો ભાવફેર ચુકવવામાં આવેલ. મેં રાજકોટ ડેરીમાં હંમેશા પશુપાલકોને ભાવના રૂપમાં વધુ વળતર આપી શકાય તે લક્ષમાં રાખીને કામગીરી કરેલ છે. દૂધમાં ભેળસેળ અટકાવવા માટે કડક પગલા લઈ પર દૂધ મંડળીઓ કાયમી માટે બંધ કરેલ છે. દૂધ ચોરીના દૂષણને અટકાવેલ છે. બિન જરૂરી ખર્ચાઓમાં કાપ મુકી કરકસરભર્યો વહીવટ કરી નફો વધારવા પ્રયત્નો કરેલ છે. કર્મચારીઓની સમયે સમયે જે માંગણી હતી તે સ્વીકારીને કર્મચારીઓ સંઘ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે પ્રયત્નો કરેલ છે. રાજકોટ ડેરીએ વર્ષ ૨૦૨૪-૨૫ નાં કરેલ નફામાંથી ૬૦ હજાર પશુપાલકોને રૂા. ૬૦ કરોડ ભાવફેરની રકમ તેમના બેંક ખાતામાં ડાયરેકટ સંઘ દ્વારા જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે એક કલીકથી જમા કરી પશુપાલકોને તેના હકના પૈસા સીધા તેના બેંક ખાતામાં જમાં આપેલ .
આ કાર્યક્રમને સફળ બનાવવા વીરપુર જૂથ ખેડૂત સહકારી મંડળીના સ્ટાફ તેમજ ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા તથા ગાયત્રી મુક્તિધામના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ કીશનસિંહ મોરબીયા - વીરપુર)
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
