<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

દ્વારકામાં જન્માષ્ટમી પર જગતમંદિરના નામે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ : 'ધરમંદિર' નામની બોગસ એપ અને વેબસાઈટ દ્વારા લાખોની છેતરપિંડીની શક્યતા

ભક્તોને ભોગ-પ્રસાદ ચઢાવવા અને પૂજા-સેવાના નામે 151 થી 301 રૂપિયા વસૂલવામાં આવતા, જગતમંદિર વ્યવસ્થાપક સમિતિએ આવી બનાવટી વેબસાઈટ અને સોશિયલ મીડિયા આઈડીથી સાવધાન રહેવા અપીલ કરી

કૌશલ સવજાણી દ્વારા, દ્વારકા: જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણી નજીક આવતા જ ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ સક્રિય થયા છે. દ્વારકાના પ્રસિદ્ધ જગતમંદિરના નામે એક બનાવટી વેબસાઈટ અને 'ધરમંદિર' નામની એપ્લિકેશન દ્વારા ભક્તો સાથે છેતરપિંડી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ એપ અને વેબસાઈટ દ્વારા ભક્તોને ઓનલાઈન સેવાઓ, પૂજા અને ભોગ ચઢાવવાની લાલચ આપીને નાણાં વસૂલવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ બનાવટી એપ અને વેબસાઈટ 'જન્માષ્ટમી પર્વ' નિમિત્તે દ્વારકાધીશને ચઢાવો (ભેટ), માખણ-મિશ્રીના ભોગ અને અન્ય સેવાઓ અર્પણ કરવાનો દાવો કરે છે. આ માટે, તેઓ ભક્તો પાસેથી 151 રૂપિયા, 201 રૂપિયા અને 301 રૂપિયા જેવી રકમ ઓનલાઈન માધ્યમથી વસૂલી રહ્યા છે. આ જ નામે ઈન્સ્ટાગ્રામ પર પણ એકાઉન્ટ ચાલી રહ્યું છે, જે ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યું છે.
જગતમંદિર વ્યવસ્થાપક સમિતિએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, મંદિર દ્વારા આવી કોઈ ઓનલાઈન સેવા ઉપલબ્ધ નથી અને આ એપ સાથે મંદિરને કોઈ સંબંધ નથી. સમિતિએ ભક્તોને આવી બનાવટી વેબસાઈટ, એપ્લિકેશન અને સોશિયલ મીડિયા આઈડીથી સાવધાન રહેવા અપીલ કરી છે. જન્માષ્ટમી પર્વ દરમિયાન આ પ્રકારની બનાવટી પ્રવૃત્તિઓથી ભક્તો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી છે. ભક્તોએ કોઈ પણ પ્રકારની ઓનલાઈન સેવાઓ માટે સીધા મંદિરના સત્તાવાર સ્ત્રોતોનો જ સંપર્ક કરવો જોઈએ.

 

(9:43 PM IST)