<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

હળવદમાં આન, બાન અને શાન જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન

પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ: હળવદ તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી 25 લાખનો ચેક અર્પણ

મોરબી: હળવદમાં આન, બાન અને શાન તથા અનેરા ઉત્સાહ સાથે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી જિલ્લા કક્ષાના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતાં સહકાર, મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મોરબીની આ ભૂમિ પર ફક્ત સિરામિકની માટી કે મીઠું જ નથી પાકતું પણ માતૃભૂમિના અનેક વીરો આ મોંઘેરી માટીમાં પાક્યા છે. સ્વાધીનતાના પ્રખર હિમાયતી દયાનંદ સરસ્વતી અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર આ મોરબી જિલ્લાની ધરા સાથે જોડાયેલા છે. મોરબીમાં નિર્માણ પામેલા અને નિર્માણાધિન અનેક વિકાસ કાર્યોનું વિવરણ કરતા તેમણે જણાવ્યું હતું કે, નાનો એવો મોરબી જિલ્લો સિરામીકના ઉત્પાદનમાં ચીન જેવા મોટા દેશને હંફાવવાની તાકાત ધરાવે છે.
ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા કરવામાં આવેલા આ મિશન થકી આપણા દેશની તાકાત અને આપણી સૈન્યના પરાક્રમ અને શૂરવીરતાના દર્શન થયા છે. આ મિશન થકી આપણો દેશ એક બન્યો છે અને આપણા દેશની ક્ષમતાનો પુરાવો વિશ્વને મળ્યો છે. આપણી ભારત ભૂમિની માટી એ ફક્ત માટી નથી પણ તેના કણ કણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ સુરક્ષા સાધનો અને શસ્ત્રો મેડ ઈન ઇન્ડિયા હતા તેવું તેમણે ગર્વભેર જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા, એક પેડ મા કે નામ, સ્વચ્છતા અભિયાન, સહકારથી સમૃદ્ધિ, નલ સે જલ અને કેચ ધ રેઇન વાયબ્રન્ટ ગુજરાત, સોલર રૂફટોપ સહિતની યોજનાઓ અને સુવિધાઓ થકી સશક્ત સમાજનું નિર્માણ થઈ રહ્યું છે.
આ ઉજવણી અન્વયે મત્રીએ મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોએ દેશ ભક્તિના રંગેમાં સૌને તરબોળ કરી દે તેવા રાષ્ટ્ર પ્રેમને સમર્પિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કલાના કામણ પાથર્યા હતા.

(3:03 PM IST)