News of Saturday, 16th August 2025
ચારણ જગદંબા આઈશ્રી રૂપલ માતાજીનો 35મો પ્રાગટ્ય દિવસ રામપરામાં ભક્તિભાવ સાથે ઉજવાયો : શિક્ષણ અને ગૌસેવા સહિતના કાર્યોનું લોકાર્પણ
રૂપલ ધામ ખાતે ગૌશાળાનું લોકાર્પણ અને યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરાયું : આઈ રૂપલ માઁ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેસના બાળકોને શિક્ષણ, સમૂહ લગ્ન અને વૃક્ષારોપણ જેવા અનેક સમાજ સેવાના કાર્યોનું સંચાલન

(સંજય ડાંગર દ્વારા), રામપરા, ધ્રોલ: ચારણ જગદંબા અને પરમ પૂજ્ય આઈશ્રી રૂપલ માતાજીનો 35મો પ્રાગટ્ય દિવસ આજે, 16મી ઓગસ્ટ, 2025, શનિવારના રોજ રામપરા સ્થિત નવદુર્ગા શક્તિ તીર્થ રૂપલ ધામ ખાતે ભક્તિમય અને સેવાકીય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો. આ પાવન અવસરને ગોકુળ આઠમ સાથે જોડીને માતાજીના અવતરણ તત્વને સન્માનવા માટે વિવિધ ધાર્મિક અને સમાજ કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આધ્યાત્મિકતા અને સેવાકાર્યો:
આઈશ્રી રૂપલ માતાજીનું અવતરણ એ જગતના કલ્યાણ અર્થે થયેલો દિવ્ય અવતાર ગણાય છે. આઈશ્રીનો સંદેશ સ્પષ્ટ છે કે, તેમના કાર્યો કોઈ અંધશ્રદ્ધા પર આધારિત નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પર ટકેલા છે. તેમણે જણાવ્યું કે, અહીં દોરા-ધાગા કે ધૂણવા જેવી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી, માત્ર ચારણી આઈ પરંપરાની પવિત્રતા અને સનાતન ધર્મનો સાચો માર્ગ જ જાળવવામાં આવે છે.
શિક્ષણ અને સમાજ કલ્યાણના કાર્યો:
આઈ રૂપલ માઁ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય સોનલ માતાજીના આદર્શોને અનુસરીને અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ગીર, આલેચ અને બરડા પંથકના નેસ વિસ્તારના શિક્ષણથી વંચિત 80 જેટલા બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું બીડું ટ્રસ્ટે ઉપાડ્યું છે. આ બાળકોને છાત્રાલય, ટ્યુશન અને ધાર્મિક વાતાવરણ વચ્ચે શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત, ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ચૈત્ર મહિનામાં ગરીબ પરિવારોની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરીને કન્યાદાનનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. પર્યાવરણની સુરક્ષા માટે નિયમિત વૃક્ષારોપણ કાર્યક્રમો અને ધાર્મિક ભાવના જાગૃત કરવા માટે દેવી ભાગવત કથાનું પણ આયોજન થાય છે.
પ્રાગટ્ય દિવસના કાર્યક્રમો:
આજના પાવન દિવસે આઈશ્રી રૂપલ માતાજીના હસ્તે ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે ગૌસેવા પ્રત્યેની તેમની શ્રદ્ધા દર્શાવે છે. આ સાથે, યજ્ઞશાળાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન ભક્તો માટે દાંડિયા રાસનું આયોજન થયું, અને રાત્રે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાશે. રૂપલ ધામ ખાતે વર્ષભર ભક્તો માટે ત્રણેય ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવે છે.
જીણાભાઈ ગઢવીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, "આજ રોજ ગોકુળ આઠમના પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સાથે આઈશ્રી રૂપલ માતાજીનું પણ અવતરણ થયું છે." તેમણે આ પાવન પર્વમાં જોડાઈને આશીર્વાદ મેળવનાર સર્વે શ્રદ્ધાળુઓને ધન્યવાદ પાઠવ્યા હતા.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
