News of Saturday, 16th August 2025
અસહ્ય ગરમી અને બફારા બાદ કચ્છમાં ધોધમાર વરસાદ : પાકને નવજીવન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
ભુજમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો : હમીરસર કાંઠે ભરાયેલો લોકમેળો વિખેરાયો : મેઘરાજાની પધરામણીથી પાણીની તાતી જરૂરિયાત પૂર્ણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ: લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા કચ્છ જિલ્લામાં આખરે મેઘરાજાની મહેર થઈ છે. આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ, કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે ધરતી પર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આ વરસાદની સૌથી વધુ રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા, કારણ કે ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત હતી. લાંબા સમયથી ખેંચાયેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત હતા, ત્યારે આ વરસાદે તેમને મોટું નવજીવન આપ્યું છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જોકે, મેઘરાજાની આ અણધારી પધરામણીએ ભુજમાં હમીરસર કાંઠે ભરાયેલા લોકમેળાની મજા બગાડી હતી. ભારે વરસાદ અને પવનના કારણે મેળામાં હાજર લોકો અને વેપારીઓને મુશ્કેલી પડી હતી અને ગણતરીની મિનિટોમાં જ આખો મેળો વિખેરાઈ ગયો હતો. જોકે, આ વરસાદની સમગ્ર કચ્છમાં મોટી રાહતની લાગણી પ્રસરી છે અને ખેડૂતો આગામી દિવસોમાં પાકનું ચિત્ર સુધરશે તેવી આશા રાખી રહ્યા છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
