News of Sunday, 17th August 2025
જૂનાગઢના દુધાણા ગામમાં વીજથાંભલા અને વીજવાયરોને લઈને ગ્રામજનો અને પીજીવીસીએલ આમનેસામને
ગામમાં વીજળીના થાંભલા અને વીજવાયરો મોટાભાગના મકાનો પરથી પસાર થાય છે, જેના કારણે ચોમાસામાં કરંટ લાગવાનો ભય: મકાનો ઉપરથી પસાર થતા વીજ જોડાણ હટાવવા માંગ

જૂનાગઢ જિલ્લાના દુધાણા ગામમાં વીજળીના થાંભલા અને વીજવાયરોને લઈને ગ્રામજનો અને પીજીવીસીએલ વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. ગામમાં વીજળીના થાંભલા અને વીજવાયરો મોટાભાગના મકાનો પરથી પસાર થાય છે, જેના કારણે ચોમાસામાં કરંટ લાગવાનો ભય રહે છે અને વીજળીના નાના ટ્રાન્સફોર્મર બળી જવાથી ઘરવખરીને નુકસાન થાય છે. ચોમાસા દરમિયાન વીજળીના થાંભલામાં કરંટ આવતો હોવાથી બજારમાં નીકળવું મુશ્કેલ બને છે. આ ઉપરાંત નાના ટ્રાન્સફોર્મર પર વીજળી પડવાથી તે બળી જાય છે, જેના કારણે આજુબાજુના ચાર-પાંચ ઘરોમાં વીજ ઉપકરણો બળી જાય છે, જેનાથી ગ્રામજનોને મોટી નાણાકીય નુકસાની થાય છે.
ગામના લગભગ તમામ મકાનો પરથી વીજળીના વાયરો પસાર થાય છે, જેના કારણે ધાબા પર જવું જોખમી બન્યું છે. ભૂલથી કોઈ બાળક ધાબા પર ચડી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ સમસ્યા અંગે અનેકવાર સાંસદ, જૂનાગઢ જિલ્લા પ્રમુખ અને અન્ય સ્થાનિક નેતાઓને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. નાના ટ્રાન્સફોર્મરને ગામની બહાર બે કે ત્રણ મોટા ટ્રાન્સફોર્મરમાં ફેરવી દેવાની ગામ લોકો માંગ કરી રહ્યા છે, જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય.
ગામ લોકોના વિરોધ બાદ વીજ અધિકારીને પુછવામાં આવતા અધિકારીએ કહ્યું કે, 'દુધાણા ગામમાં 11 કે.વી.ની લાઈન છે. અગાઉ કેબલ નાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને તેની મંજૂરી પણ મળી ગઈ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ ગામલોકોના વિરોધને કારણે તે કામ થઈ શક્યું નથી. કોન્ટ્રાક્ટર પાસે હજુ પણ માલસામાન ઉપલબ્ધ છે.
બીજી તરફ, પી જી વી સી એલના અધિકારીઓનો દાવો છે કે આ ટ્રાન્સફોર્મર વીજળીનો લોસ ઘટાડવા માટે લગાવવામાં આવ્યા છે અને તેને દૂર કરવું શક્ય નથી. લોકોની માંગણી એ છે કે જે નાના ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે, તેને દૂર કરવામાં આવે. જોકે, આ શક્ય નથી કારણ કે દુધાણા ગામ GEBના ફીડરમાં આવે છે અને ત્યાં વીજળીનો લોસ 30% થી વધુ છે. આ લોસ ઘટાડવા માટે જ આ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે. તેથી, તેને દૂર કરવું શક્ય ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
