<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા :સ્પાઇડરમેન ચોરની ધરપકડ : સાત જેટલી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો

મોટેભાગે આરોપી હાઇરાઇઝ બિલ્ડીંગોની સીડી કે લિફ્ટ દ્વારા નહીં પરંતુ આ બિલ્ડીંગોની ગટરની કે ગેસની પાઇપલાઇન દ્વારા સ્પાઇડરમેનની જેમ ઉપર ચડી અને ઘરોમાંથી ચોરી કરી અને ફરાર થઈ જતો હતો

વલસાડ જિલ્લાના વાપીના નામધા વિસ્તારમાં એક બિલ્ડીંગના ફ્લેટમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. દસ દિવસ અગાઉ આરોપીએ વાપીના નામધા વિસ્તારમાં બિલ્ડિંગમાં ઉપરના માળે આવેલા ફ્લેટની બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિત અંદાજે પોણા બે લાખથી વધુની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો.

 

ચોરીની આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ આરોપી સુધી પહોંચવા વાપી ટાઉન પોલીસ અને વલસાડ એલ.સી.બી એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોરીની ઘટનાને લઈને 200 જેટલા સીસીટીવી ફૂટેજની પોલીસે તપાસ કરી હતી, તપાસના અંતે રતલામથી સુમન ઉર્ફે સોનુ ગુલ્લુને પકડી તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા 7 જેટલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. 

 

આરોપી સુમન ઉર્ફે સોનું ગુલ્લુ થાણા વિસ્તારમાં રહે છે અને નાની મોટી ચોરી કરી પોલીસને દોડતી કરી રહ્યો હતો. પરંતુ છેલ્લે આરોપીએ વાપીના નામધામાં ચોરી કરતા ગણતરીના દિવસોમાં જ વલસાડ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ અત્યાર સુધી અનેક ચોરીઓના ગુનાઓને અંજામ આપ્યો છે અને ગુનાઓની દુનિયામાં spider-man તરીકે કુખ્યાત હતો. મોટેભાગે આરોપી હાઇરાઇઝ બિલ્ડીંગોની સીડી કે લિફ્ટ દ્વારા નહીં પરંતુ આ બિલ્ડીંગોની ગટરની કે ગેસની પાઇપલાઇન દ્વારા સ્પાઇડરમેનની જેમ ઉપર ચડી અને ઘરોમાંથી ચોરી કરી અને ફરાર  થઈ જતો હતો. આથી તે ગુનાઓની દુનિયામાં સ્પાઇડરમેન તરીકે ઓળખાય છે તેમજ તેની સાથે કોઈ ગેંગ નહીં પરંતુ પોતે એકલો જ વન મેન ગેંગ હોય તેવી રીતે એકલા જ પલવારમાં ચોરી કરી અને ફરાર થઈ જતો હતો.

.

(4:54 PM IST)