News of Sunday, 17th August 2025
સોમનાથના દરિયામાં ડૂબી રહેલા યુપીના યુવાન યાત્રાળુને બચાવી લેવાયો: ફાયર બ્રિગેડ, ફોટોગ્રાફરો અને સ્થાનિકોની સરાહનીય કામગીરી

વેરાવળ: સોમનાથના પવિત્ર દરિયામાં ડૂબી રહેલા એક યુવાન યાત્રાળુનો સમયસર બચાવ કરવામાં આવ્યો છે. આ સરાહનીય કામગીરીમાં ફાયર બ્રિગેડના જવાનો, ફોટોગ્રાફરો અને ઘોડેસવારી કરાવતા સ્થાનિકોએ એક સાથે મળીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બનાવની વિગત મુજબ, ઉત્તર પ્રદેશનો ૨૮ વર્ષીય યાત્રાળુ સોમનાથના દરિયા કિનારે હતો ત્યારે અચાનક દરિયાના પ્રવાહમાં ખેંચાઈને ડૂબવા લાગ્યો હતો. આ દૃશ્ય જોતા જ તાત્કાલિક સ્થળ પર હાજર ફાયરમેન ભૌતિક સિંહ પરમાર અને વિજય કોડિયાતર રેસ્ક્યુ સાધનો સાથે તેની મદદ માટે દોડી ગયા હતા.
તેમની સાથે જ, સોમનાથના દરિયા કિનારે યાત્રાળુઓ માટે ફોટા પાડવાની સેવા આપી રહેલા ફોટોગ્રાફર વિજય બામણીયા અને યાત્રાળુઓને ઘોડેસવારી કરાવતા કેટલાક સ્થાનિક ચાલકો પણ મદદ માટે પહોંચી ગયા હતા. સૌએ સાથે મળીને યુવાનને સુરક્ષિત રીતે દરિયામાંથી બહાર કાઢ્યો હતો.બચાવ બાદ યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ દરમિયાન યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વેરાવળ ફાયર બ્રિગેડની ટીમને સોમનાથના દરિયા કિનારે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેના કારણે આ ગંભીર ઘટનાને નિવારી શકાઈ હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિકોની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે એક જીવ બચી ગયો છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
