News of Tuesday, 19th August 2025
પોરબંદરમાં ચકડોળ ધારકોની મનમાની : ભાવમાં બેફામ લૂંટ
મહાનગરપાલિકાના લોકમેળામાં ભાવ બાંધણાના આદેશો ભ્રામક : બીજા દિવસે પરમીશન વિના ચકડોળ તથા અન્ય રાઇડ્સ ચાલુ થઇ જતા જાહેર સલામતીનો પ્રશ્ન : ચકડોળ અને રાઇડ્સ માલિકો ઉપર મીઠી નજરની ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: ચોપાટી ખાતે જન્માષ્ટમી લોકમેળામાં ચકડોળ અને અન્ય રાઇડ્સ માલિકો પોતાની મનમાની ચલાવીને બીજે દિવસે સલામતી મંજુરી મળી નહી. છતાં ચકડોળ - રાઇડ્સ ચાલુ કરી નાખતા જાહેર સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે એટલું જ નહી ચકડોળ અને રાઇડ્સના ભાવમાં મનફાવે તેવા ભાવ લઇ બેફામ લૂંટ ચાલુ રાખતા ચકડોળ અને રાઇડ્સમાં બેસવાની ઇચ્છા ધરાવનારોમાં કચવાટ શરૂ થઇ ગયો હતો. ચકડોળ અને રાઇડ્સ જેમાં જેને પરમીશન મળી નહોતી તેઓ મેળાના બીજા દિવસથી ચકડોળ - રાઇડ્સ ચાલુ કરીને મન ફાવે તેવા ભાવ લેવાનું શરૂ કર્યુ હતું.
આ પાછળ જવાબદારોની મીઠી નજરની ચર્ચા છે લોકમેળાને એક દિવસ લંબાવવામાં આવ્યો છે. આવતીકાલે લોકમેળાનો છેલ્લો દિવસ છે.
જન્માષ્ટમી લોકમેળાના પ્રથમ દિવસે ચકડોળ અને રાઇડ્સને સલામતીના પ્રશ્ને મંજુરી અપાય નહોતી ત્યારે ચકડોળના માલિકો મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમોની જગ્યામાં જઇને ઉગ્ર વિરોધ કર્યો હતો પરંતુ રજૂઆત સાંભળનારા કોઇ નહોતા. રાજકીય આગેવાનો અને નેતાઓનું પણ પાણી હલ્યું નહોતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનપાના ડેપ્યુટી કમીશનર શ્રી ચર્તુર્વેદી હાજર હતા છતા કશું થઇ શકયું નહોતું, ડેપ્યુટી કમિશનરશ્રી ચર્તુવેદીએ સ્પષ્ટ જણાવેલ કે ચકડોળ ચલાવવા માટે મંજુરી મળી નથી ત્યારપછી કહેવાય છે કે મૌખિક સૂચનાથી ચકડોળ ચાલુ કરી દેવાયા હતા. આવી મૌખિક સૂચનાથી કોઇ જાનહાનિ થાય તો જવાબદારી કોની ? તે પ્રશ્ન ચર્ચિત બન્યો છે.
ચકડોળ અને રાઇડ્સમાં ભાવ બાંધણું છતાં ચકડોળમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના લોકોના રૂ.૫૦ને બદલે રૂ.૮૦ અને બાળકોના ૩૦ને બદલે ૫૦ લઇ લૂંટ શરૂ થઇ હતી.
મંજૂરી વિના ચકડોળ કે રાઇડ્સ ચાલુ કરવી નહી તેવા મહાનગરપાલિકાના કમિશનરશ્રી પ્રજાપતિના આદેશ છુટયા હતા તે બીજા દિવસે ભ્રામક સાબિત થયા હતા. જન્માષ્ટમી તહેવારો અને રવિવારની રજામાં ચકડોળને મંજૂરી અપાઇ હોય તો રજામાં ટેકનિકલ રિપોર્ટ કઇ રીતે ભરાયા...? કઇ વિમા કંપનીએ રજાના દિવસોમાં વિમો લેવાની કાર્યવાહી કરી... ? વગેરે સવાલો ઉભા થયા છે?
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
