News of Wednesday, 20th August 2025
કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે છૂટો છવાયો અડધાથી ત્રણ ઇંચ વરસાદ
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જોકે..ગરમી, ઉકળાટ, કાળા ડિબાંગ વાદળો પણ આભમાંથી પાણી નીતરતું નથી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: આગાહી અને ભારે ગરમી વચ્ચે કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જિલ્લાના દસ પૈકી ૭ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી છે. જોકે, તાલુકા મથકે માધ્યમ વરસાદ જ્યારે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો છે. કચ્છના ૧૦ પૈકી ૭ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી નોંધાવી છે. રાપર, ભચાઉ અને અંજારમાં ઝરમર ઝરમર વરસાદ છે. જ્યારે માંડવીમાં બે ઇંચ, નખત્રાણા દોઢ ઇંચ અને ભુજ, મુન્દ્રા, લખપત અને અબડાસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. પરંતુ ભુજના માનકુવા ગામે અઢી ઇંચ વરસાદ જ્યારે નખત્રાણાના નેત્રા પંથક આસપાસ ત્રણ ઇંચ, લખપતના માતાના મઢ આસપાસ દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે, ગરમી અને ઉકળાટની અપેક્ષાએ વરસાદ પડ્યો નથી. આકાશ ગોરંભાયેલું છે, કાળા ડિબાંગ વાદળો પણ છે છતાંયે આભમાંથી પાણી નીતરતું નથી. જિલ્લામાં ખેતીમાં મોલ સુકાઈ રહ્યો હોઇ ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે. (રર.૪)
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
