<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રેડ એલર્ટ વચ્ચે કચ્છમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ: બંદરોએ ત્રણ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

ઝરમર ઝરમરથી બે ઇંચ વરસાદ, આગાહી વચ્ચે બફારા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ સામાન્ય વરસાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : રેડ એલર્ટ વચ્ચે કચ્છમાં ગઈકાલે સવારથી રાત સુધી ઝાપટા સાથે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. કાંઠાળ પટ્ટીમાં લખપતમાં બે ઇંચ જ્યારે અબડાસા, ગાંધીધામ અને અંજારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

           જ્યારે ભચાઉ અને ભુજમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અન્યત્ર મુન્દ્રા, માંડવી અને રાપરમાં ઝરમર ઝરમર વરસાદ છે. 

         જોકે  કચ્છમાં આ વખતે વરસાદની પેટર્ન કાંઈ અલગ હોય એમ તાલુકા મથક કરતા અમુક ગામોમાં છૂટો છવાયો ધોધમાર વરસાદ નોંધાયો છે. દરમ્યાન હવામાન વિભાગની ચેતવણીને પગલે કચ્છના બંદરો ઉપર ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. જ્યારે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.

(9:31 AM IST)