News of Thursday, 21st August 2025
ચોટીલા ચાલીને જતા ટ્રકે હડફેટે લીધાઃ માતાનું મોતઃ બે પુત્રોને ઈજા
સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના ત્રણ બનાવ

સુરેન્દ્રનગર, તા.૨૧: જિલ્લાના લીંબડી-સાયલા હાઈવે, ચૂડાના કારોલ પાસે અને સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં નેશનલ હાઈવે પર ધંધૂકાના હડાળાથી ચોટીલા ચાલીને જતા પરીવારને ટ્રકે અડફેટે લેતા માતાનું મોત થયુ હતુ. જયારે બે પુત્રોને ઈજા પહોંચી હતી. જયારે ચૂડાના કારોલ પાસે હીટ એન્ડ રનના બનાવમાં બાઈક ચાલકને અને સુરેન્દ્રનગરમાં ઉપાશ્રાય દર્શન કરી ઘરે પરત જતા વળધ્ધને કારે ઠોકર મારતા ઈજા પહોંચી છે. મુળ ધંધૂકા તાલુકાના હડાળા ગામના ૪૨ વર્ષીય કરશનભાઈ જહાભાઈ રાઠોડ હાલ અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહે છે અને ચાંગોદરની ફેકટરીમાં નોકરી કરે છે. જયારે તેમના પત્ની ગીતાબેન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કામ કરે છે. તા. ૧૮મી ઓગસ્ટના રોજ તેઓને ચોટીલા બાધા કરવા જવાનું હોવાથી દંપતી, ૨ પુત્રો રાજવીર અને યુવરાજ તથા પુત્રવધુ પુજા ચોટીલા જવા નીકળ્યા હતા. જેમાં કરશનભાઈ બાઈક લઈને જતા હતા. જયારે અન્ય ચારેય ચાલતા ચોટીલા જતા હતા. તા. ૧૮મીના રોજ રાત્રે તેઓ વઢવાણ તાલુકાના વડોદ પાસે આવેલ એક આશ્રામે રોકાયા હતા. જયારે તા. ૧૯મીના રોજ સવારે ચોટીલા બાજુ ચાલતા થતા કરશનભાઈના બાઈક પાછળ પુજા બેઠા હતા. અને માતા તથા ૨ પુત્રો ચાલીને જતા હતા. બાઈક આ ત્રણેયથી થોડુ આગળ ચાલતુ હતુ. ત્યારે લીંબડી-સાયલા હાઈવે પર દર્શન હોટલ પાસે અચાનક પાછળ અકસ્માત થવાનો અવાજ આવતા પાછળ આવીને જોતા એક ટ્રક ચાલકે ત્રણેયને અડફેટે લીધા હતા. આ બનાવમાં ગીતાબેનનું મોત થયુ હતુ. જયારે રાજવીર અને યુવરાજને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ કે.બી.ખેર ચલાવી રહ્યા છે. જયારે ધંધૂકાની બાપા સીતારામ સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય ગૌતમભાઈ દીપાભાઈ પાડલીયા હાલ લીંબડી-ધંધુકા રોડ પર આવેલ દશરથભાઈની હોટલમાં રહીને કામ કરે છે. તા. ૧૭મી ઓગસ્ટના રોજ તેઓ બાઈક લઈને પાળીયાદ તાલુકાના બાબરકોટ ગામેથી લીંબડી-ધંધૂકા રોડ પર આવેલ દશરથભાઈની હોટલે જતા. ત્યારે ચુડા તાલુકાના કારોલ ગામ પાસે સામેથી આવતા ટ્રક પાછળથી એક કારે ફુલસ્પીડે ઓવરટેક કરી બાઈકની સામે રોંગ સાઈડમાં આવી જઈ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગૌતમભાઈને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે ચૂડા પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી આર.જે.મીઠાપરા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર આવેલ ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય પ્રકાશ મુલકચંદભાઈ શાહ રાજ હોટલ પાસે ભવાની કેબલ નામની દુકાન ચલાવે છે. તા. ૧૮મીના રોજ સવારે તેઓ ચાલીને ગોકુલ હોટલ પાસે આવેલ જૈન ઉપાશ્રાયે દર્શન કરવા ગયા હતા.
જયાંથી ચાલીને ઘરે પરત ફરતા હતા. ત્યારે સીતારામ બાગ પાસે પાછળથી આવેલી કારે તેઓને ઠોકર મારતા ઈજા પહોંચી હતી. જેમા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. અકસ્માતના બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી રાકેશ સોલંકી ચલાવી રહ્યા છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
