News of Thursday, 21st August 2025
પોરબંદરમાં હિરલબા સામે સાયબર ફ્રોડમાં ૩ હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ
૧૬૩ કરોડના સાયબર ફ્રોડમાં પોલીસે અત્યાર સુધીમાં હિરલબા તથા તેના ૪ સાગરિતોની ધરપકડ કરી છેઃ હજુ દુબઇ અને મુંબઇ સહિત શહેરના ૬ સાગરિતો વોન્ટેડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૧: ૧૬૩ કરોડના સાયબર ફ્રોડમાં મુખ્ય સુત્રધાર હિરલબા જાડેજા સામે ૩૦૦૦ પાનાની તૈયાર કરેલી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દેવામાં આવી છે.
કરોડોના સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધી સૂત્રધાર હિરલબા જાડેજા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દુબઈ અને મુંબઈ સહિતના છ શખ્સ હજુ વોન્ટેડ છે ત્યારે પોલીસે આ કેસમાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરી છે. પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ એસ.આર.ચૌધરીએ પોરબંદરના સુરેજ પેલેસ ખાતે રહેતા હિરલબા ભુરાભાઈ જાડેજા સંચાલિત સાયબર ફ્રોડ અંગે ગુનો નોંધી હિરલબા જાડેજા (ઉં.૫૮), બોખીરાના હિતેશ ભીમાભાઇ ઓડેદરા (ઉ.૨૮), મફતિયાપરાના અજય ઉર્ફે ઘોઘો મનસુખભાઇ ચૌહાણ (ઉ.૩૮) અને મહારાષ્ટ્રના મલાડના સચિન કનકરાય મહેતા (ઉં.૪૮)ની ધરપકડ કરી તપાસ આરંભી હતી.
તપાસ દરમિયાન કરોડોના આ સાયબર ફ્રોડમાં પોરબંદરના પાર્થ મહેન્દ્રભાઈ સોનઘેલા, મોહન રણછોડભાઈ વાજા, રાજુ બાલુભાઈ પરમાર, મુંબઈના નૈતિક બાલુભાઈ માવાણી, દુબઇનો રોજર ગામનો વ્યક્તિ અને આશુ નામના વ્યક્તિનું નામ ખુલતા તે તમામની શોધખોળ હાથ ધરી હતી જો કે નહીં મળી આવતા વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ ટોળકીએ કાવતરું રચી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવ્યું હતું. ગેરકાયદે નાણાં મેળવી અલગ અલગ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા.
પોરબંદરમાં ડાઈનામીક એન્ટરપ્રાઈઝ, કોલોથેંક્સ એન્ટરપ્રાઈઝ, એ.એમ.ઓ. એન્ટરપ્રાઈઝ, પાર્ટ વેર અને એમ.વી. એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીઓ ખોલી આ ઉપરાંત જામનગર અને જૂનાગઢમાં પણ બોગસ પેઢીઓ ખોલી સાયબર ફ્રોડના નાણાં આ પેઢીના ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હતા. ૧૬૩ કરોડ જેટલી રક્મ ટ્રાન્સફર થઇ હતી જેમાં કુલ ૧૩૦ જેટલી ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે એટીએમના સીસીટીવી કબજે કર્યા છે તેમજ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હોય તેના કોલ ડિટેઇલ પણ મળી આવ્યા છે. આ કેસમાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરવામાં આવી છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે છ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
