<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

સોરઠના ભારે વરસાદથી અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં તંત્ર ખડે પગે

૨૪ કલાકમાં ૧૦ તાલુકામાં સરેરાશ ૬૩ ઈંચ વરસાદ બાદ બીજા દિવસે પણ મેઘાવી માહોલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧: સોરઠના ભારે વરસાદથી અસરગ્રસ્‍ત થયેલા વિસ્‍તારોમાં તંત્રએ ખડેપગે રહી જનજીવનન પૂર્વવત કરવા માટે કવાયત શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ તાલુકામાં સરેરાશ ૬૩ ઈંચ વરસાદ બાદ આજે બીજા દિવસે પણ સવારથી મેઘાવી માહોલ રહ્યો છે.

બુધવારે જુનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, માંગરોળ, વંથલી સહિતના વિસ્‍તારોને મેઘરાજાએ બાનમાં હતા. બુધવારની સવારથી બપોર સુધીમાં જુનાગઢ સહિત સોરઠમાં ૧ થી ૧૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ ૧૪ ઈંચ વરસાદ મેંદરડા તાલુકામાં ખાબક્‍તા જળબંબાકાર જેવી સ્‍થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્‍તારોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા. ખેતીના પાકને વ્‍યાપક નુકસાન થયું હોવાના અહેવાલ ઙ્કાપ્ત થયા છે.

આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન માણાવદર તાલુકામાં ૮ ઇંચ, વંથલી ૧૧, જુનાગઢ ૩, ભેસાણ ૧, વિસાવદર દોઢ ઇંચ, મેંદરડા સૌથી વધુ ૧૪ ઇંચ, કેશોદ ૧૨ ઇંચ, માંગરોળ ૫ અને માળીયાહાટીના તાલુકામાં ૩ ઇંચ મળી કુલ ૬૩ ઇંચ વરસાદ નોંધાયો હતો અને આ સાથે જિલ્લાના ૧૦ તાલુકામાં સીઝનનો સરેરાશ વરસાદ ૩૪૨ ઇંચ થયો હતો. જૂનાગઢના ગિરનાર પર્વત પર સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ ૪૮.૪ ઇંચ થયો હતો.

આજે પણ સવારથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્‍તારોમાં પડવાથી ભારે વરસાદના ઝાપટા શરૂ થયા હોવાના અહેવાલ છે.

બીજી તરફ બુધવારે જુનાગઢ જિલ્લાના ઓવરફ્‌લો થયેલા ૧૦ ડેમ આજે સતત બીજા દિવસે પણ છલોછલ રહ્યા છે. જેના પરિણામે નદીઓમાં આજે પણ પુર ચાલુ રહ્યું હતું

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ભારે વરસાદથી અસરગ્રસ્‍ત વિસ્‍તારની લીધી મુલાકાત

(વિનું જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૧:   જૂનાગઢ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી અનરાધાર વરસાદના પગલે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની મુલાકાત લીધી હતી.  જેમાં મેંદરડા સમઢીયાળાને જોડતા પૂલનું નિરીક્ષણ કર્યું હતું અને મધુવંતી નદીમાં આવેલા પૂરના કારણે થયેલા ધોવાણ અંગેનો તાગ મેળવ્‍યો હતો. આ સાથે વરસાદથી અસરગ્રસ્‍ત  મેંદરડા તાલુકાના વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. કલેકટરએ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી સહિતના અધિકારીઓને ભારે વરસાદની સ્‍થિતિમાં જરૂરી રાહત બચાવના પગલાં લેવા તેમજ રાઉન્‍ડ ધ ક્‍લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા સુચના આપી હતી.

(1:32 PM IST)