News of Thursday, 21st August 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૨૯થી તા.૩૧ ઓગસ્ટ એમ ત્રિ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ની ઉજવણી કરાશે
કલેકટર રાજેશ તન્ના અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ: ૩૧ ઓગસ્ટના રોજ જિલ્લા તથા તાલુકા સ્તરે વિવિધ વિષયો આધારિત સાયકલોથોન યોજાશે

( કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળિયા : સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ યોજાનાર છે. નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ના સુચારું આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની પ્રેરક ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના અધિકારીઓ અને પત્રકારોને વિશેષ માહિતી આપવા બેઠક યોજાઈ હતી.
નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ની કલેકટર શ્રી રાજેશ તન્ના એ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. સ્પોર્ટસ ડે નિમિત્તેરાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ, ફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન "નેશનલ સ્પોર્ટસ ડે – ૨૦૨૫"ની ઉજવણીનું આયોજન કરાયું છે.
કલેકટરએ કહ્યું હતું કે, તા.૨૯ અને ૩૦ ઓગસ્ટના દિવસે જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજોમાં "એક ઘંટા ખેલ કે મેદાન મેં" ટેગલાઈન હેઠળ રમત સ્પર્ધાઓ અને સ્પોર્ટ્સ સેમિનાર યોજાશે. જિલ્લા કક્ષાની સ્પોર્ટસ ડેની ઉજવણી જિલ્લા રમત સંકુલ, નંદાણા ખાતે કરવામાં આવશે. આ દિવસથી ખેલ મહાકુંભ માટેનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે. ઉપરાંત, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ તંત્ર સાથે ખાનગી કંપનીઓના કર્મચારીઓની ટીમો ભાગ લેશે.
. ૩૧ ઓગસ્ટના રોજ ખંભાળિયા શહેરમાં સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, આ તમામ આયોજનોમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે કલેક્ટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી તેમજ આ આયોજનો દ્વારા ભારતની ઓલિમ્પિક દાવેદારી અને ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ આયોજનને બળ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, માનસેતા, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
