<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

પાલીતાણા ધર્મશાળામાં સાત શખ્‍સોએ યુવાનની હત્‍યા કરી

કોઇ કારણોસર માથાકૂટ થયેલઃ લાશને રિક્ષામાં લઇ અન્‍યત્ર ફેંકી ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨:પાલીતાણા શહેરના તળેટી વિસ્‍તારમાં આવેલી ચેન્નઈ ભવન ધર્મશાળા ખાતે કામ કરતા અવિનાશ રાજુ શિંગ ઉ.વ. ૪૫ને સુરતના કામરેજ વિસ્‍તારના રાજુ અજિતભાઈ રાઠોડ, સોનુ, સાહીલ, સેટિંગ ઉર્ફે અર્જુન પટેલ, મહંમદ આઝાદ ઉર્ફે જયદીપસિંહ, ગંગેશકુમાર ઉર્ફે પ્રદીપ શ્રીરામ પ્રકાશ તેમજ વિજય બાબુભાઇ પ્રજાપતિએ ગઈ તા. ૧૨-૦૮ના રોજ માથાકૂટ કરી ઉશ્‍કેરાઈ જઈ શાક-ભાજી કાપવા માટેના પાટલા અને ધોકાના ઘા ઝીંકી તેમજ તમામે ઢીંકાપાટુનો માર મારી તેની હત્‍યા નીપજાવી રીક્ષામાં નાખી પાલીતાણા-સોનગઢ વચ્‍ચે અવાવરૂ સ્‍થળે ફેંકી નાસી છૂટયા હતા.

દરમ્‍યાન અવિનાશ રાજુશીંગનો મળતદેહ પડ્‍યો હોવાની સોનગઢ પોલીસને જાણ થતા સ્‍થળ પર દોડી જઈ મળતદેહને પોસ્‍ટ મોર્ટમ અર્થે ખસેડ્‍યો હતો. અને અકસ્‍માતે મોતનો ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટમાં અવિનાશ રાજુશિંગની હત્‍યા કરાઈ હોવાનું ખુલતા તપાસનો ધમધમાટ હાથ ધરતા ઉપરોક્‍ત તમામ શખ્‍સોએ હત્‍યા નીપજાવ્‍યાનું સામે આવતા સોનગઢ પોલીસ મથકના પોલીસ સબઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. સોંલકીએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ નોંધાવતા પાલીતાણા ટાઉન પોલીસે તમામની ધરપકડ કરી હતી.(૨.૩)

(4:04 PM IST)