<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

જામનગર-૧ાા, ભાવનગર-જોડીયામાં ૧ ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદી માહોલ

પવનના સૂસવાટા સાથે છેલ્લા ર દિવસથી વરસાદનું જોર ઘટયુઃ સર્વત્ર મિશ્ર હવામાન

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ સાથે મેઘાવી  માહોલ બરકરાર છે અને આવા વાતાવરણ  વચ્‍ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

જામનગરમાં દોઢ ઇંચ, ભાવનગર, જોડીયામાં ૧ ઇંચ, વરસાદ પડયો છે અન્‍ય વિસ્‍તારોમાં વરસાદી ઝાપટા પડયા છે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :..

જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરાઈ રહી છે. તા. ૨૧મીના રોજ પણ જિલ્લામાં સર્વત્ર વરસાદની આગાહી હતી. પરંતુ ગુરુવારે બપોરે ૨થી ૪ના સમયમાં ચૂડા તાલુકામાં ૨ મીમી ઝરમર વરસાદ વરસ્‍યો હતો. સતત વરસાદી વાતાવરણ દરરોજ સુરેન્‍દ્રનગર-વઢવાણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સર્જાય છે. પરંતુ વરસાદ હાથતાળી દઈને જતો રહે છે જિલ્લાના ૭ તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્‍યા હતા. જયારે ગુરૂવાર સાંજ સુધીમાં માત્ર ચૂડામાં ઝરમર વરસાદ વરસ્‍યો છે. બીજી તરફ સતત વરસાદી વાતાવરણને લીધે લઘુત્તમ અને મહત્તમ પારો પણ છેલ્લા બે દિવસથી સ્‍થિર રહે છે. જેમાં તા. ૨૦મી અને ૨૧મી ઓગસ્‍ટના રોજ લઘુત્તમ તાપમાન ૨૬ અને મહત્તમ ૩૨ ડીગ્રી આસપાસ રહે છે. આગામી તા. ૨૭મી સુધી ઝાલાવાડમાં વરસાદની આગાહી છે. ત્‍યારે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસશે કે મેઘરાજા પોતાની મનમાની કરશે, તેના પર સૌની નજર છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :..  ભારે વરસાદની આગાહી વચ્‍ચે ભાવનગર જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેર સિહોર અને ગારીયાધારમાં એક ઇંચ જ્‍યારે વલભીપુર પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે.

ગોહિલવાડ પંથકમાં  વરસાદી માહોલ વચ્‍ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અડધાથી એક ઇંચ વરસાદ પડ્‍યો છે.  આજે સવારે તડકો નીકળ્‍યો હતો.

આજે સવારના ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૧૬ મી.મી .,ઉમરાળામાં ૬ મી.મી., ભાવનગર શહેરમાં ૨૬ મી.મી. સિહોરમાં ,૨૪ મી.મી. ગારીયાધારમાં ૨૩ મી.મી. પાલીતાણામાં ૧૪ મી.મી. તળાજામાં ૮ મી.મી. અને જેસરમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. જામનગર શહેરમાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યા બાદ બપોરે દોઢેક વાગ્‍યા આસપાસ ધોધમાર વરસાદ પડ્‍યો હતો, અને બપોરે ૪.૦૦ વાગ્‍યા સુધીમાં ૨૯ મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

 જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બંધાયેલો છે, અને છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. ચાલુ વરસાદી સિઝનમાં મોસમનો કુલ વરસાદ ૪૮૩ મી.મી. ( ૨૦ ઇંચ) નોંધાયો છે.

જામનગર જિલ્લાના જોડીયામાં ગઈકાલે બપોર બાદ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો ઙ્કાપ્ત થયા છે. ઉપરાંત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ મેઘરાજાની એન્‍ટ્રી થઈ હતી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પાણી પાણી થયા હતા.

 આ ઉપરાંત ધ્રોલમાં ૬ મી.મી., કાલાવડ માં ૪ મી.મી. લાલપુરમાં આઠ મી.મી., અને જામજોધપુર માં છ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગ્રામ્‍ય વિસ્‍તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં ૨૨ મી.મી., જામજોધપુરના વાંસજાળીયામાં ૨૩ મી.મી., શેઠ વડાળા માં ૧૨ મી.મી. સમાણા માં ૯ મી.મી., જામવાડીમાં  ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

 ઉપરાંત કાલાવડ ના મોટા વડાળામાં ૧૪ મી.મી. જોડિયા ના બાલંભામાં ૧૩ મી.મી., જામનગર તાલુકાના વસઇ માં ૧૨ મી.મી. જાંબુડા

૧૧ મી.મી. મોટી બાણુંગાર માં ૧૫ મી.મી., અને લાખાબાવળમાં ૧૪ મી.મી વરસાદ નોંધાયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..

જુનાગઢ માંગરોળ, વંથલી તાલુકામાં આજે પણ સવારથી મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

બુધવારે જુનાગઢ જિલ્લાના ૧૦ તાલુકામાં સરેરાશ ૬૩ ઇંચ વરસાદ નોંધાયા બાદ ગુરુવારે મેઘરાજાએ મહદ અંશે આરામ ફરમાવ્‍યો હતો છતાં પણ હળવા થી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહ્યા હતા.

આજે સવારે જુનાગઢ અને આસપાસના વિસ્‍તારોમાં ધીમીધારે મેઘાએ વરસવાનું શરૂ કરતા સૂર્યનારાયણના દર્શન થઈ શકયા ન હતા.

સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૨૪.૮ ડીગ્રી નોંધાયું હતું જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૨ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૯.૨ કિલોમીટરની રહી હતી.

જૂનાગઢની સાથે સાથે વંથલી અને માંગરોળ તાલુકામાં પણ સવારથી ઝાપટા શરૂ થયા છે.

(11:28 AM IST)