<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ડ્રગ્‍સ સાથે ઝડપાયેલા માંગરોળનાં બે શખ્‍સને રિમાન્‍ડ પર મેળવવા તજવીજ

જૂનાગઢ એસઓજીએ ૬.૩૪ લાખનો મુદામાલ કબજે લીધો હતો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૨૨: જૂનાગઢ એસઓજીએ રૂપિયા ૫,૨૨,૭૦૦ની કિંમતના ૫૨.૨૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે ઝડપેલા માંગરોળના ૨ શખ્‍સને પોલીસે રિમાન્‍ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

જૂનાગઢ એસઓજીના મહિલા પીએસઆઇ શીતલ એ. સોલંકી સ્‍ટાફ સાથે કચેરી હાજર હતા દરમિયાન માંગરોળમાં ગાય ચોગાન ગોપાલ લાલજી હવેલીની સામે રહેતો આશિષ રમેશભાઈ જાદવ જીજે ૧૧ સીઇ ૦૭૦૭ નંબરના મોપેડમાં ડ્રગ્‍સ લઈને માંગરોળમાં નગીના વાડી વિસ્‍તારમાં રહેતો ઈરફાન ઉર્ફે ગોપી ઈસ્‍માઈલભાઈ કાલવાતને મોડી રાત્રિના માંગરોળ ખાતે ગાય ચોગાન ચોક, રામ મંદિર પાસે વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી મળી હતી.

આ બાતમી આધારે એસઓજી પીઆઈ આર. બી. ગઢવીના માર્ગદર્શનમાં માંગરોળ ખાતે પહોંચી ગાય ચોગાન ચોકથી દૂર શેરીમાં રાત્રે વોચ ગોઠવી  મોપેડ પર આવેલ આશિષ રમેશ જાદવે  જીજે ૩૨ આર ૩૦૫૮ નંબરના બાઈક પર આવેલા ઈરફાન ઉર્ફે ગોપી ઈસ્‍માઈલને ડ્રગ્‍સ આપતા જ પકડી પાડ્‍યા હતા.

બંને શખ્‍સની ઝડતી લેતા આશિષએ પહેરેલ કેપ્રીના ડાબા ખિસ્‍સામાંથી રૂપિયા ૧૯,૩૦૦ની રોકડ, ૨ મોબાઈલ, ૩૩.૨૫ ગ્રામ ડ્રગ્‍સ, મોપેડની ડેકીમાંથી વજન કાંટો અને ઈરફાન ઉર્ફે ગોપી પાસેથી ૧૯.૦૨ ગ્રામ ડ્રગ્‍સ, રૂપિયા ૧,૮૧૦ની રોકડ, મોબાઈલ ફોન મળી આવતા બંનેની ધરપકડ કરી ડ્રગ્‍સ સહિત રૂપિયા રૂપિયા ૬,૩૪,૦૧૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમ્‍યાન માંગરોળના પીઆઇ દેસાઈએ બંને શખ્‍સને કોર્ટમાં રજુ કરી રિમાન્‍ડ પર મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે

(12:04 PM IST)