News of Friday, 22nd August 2025
લોધીકાના જશવંતપૂર ગામે પાણીમાં એક શખ્સ ફસાયોઃ મામલતદાર-ફાયર-પોલીસતંત્ર દોડી ગયા
યુધ્ધના ધોરણે કામગીરી : યુવકનો જીવ બચી ગયોઃ આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર

રાજકોટ તા. ૨૨ : ‘‘સાહેબ, એક વ્યક્તિ ધસમસતા પાણીમાં કોઝવેમાં ફસાયો છે. પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. બચાવી લો...'' જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન આવતાં ચોક્કસ સ્થળ સહીત સમગ્ર વિગત મેળવી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું. સાથોસાથ ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને તાલુકા હેલ્થ ઓફિસરને બનાવના સ્થળે જરૂરી વ્યવસ્થા સાથે તાત્કાલિક પહોચવા માટે જાણ કરવામાં આવી.
થોડી મિનિટોમાં સમગ્ર ટીમ ઘટના સ્થળ એવા લોધિકાના પાળ ગામથી જશવંતપુર ગામ જવાના રસ્તે આવેલ ક્રોઝવે પર પહોંચી રેસ્કયુ કામગીરીનો પ્રારંભ કર્યો. ફાયર ફાઈટર વિભાગના જવાનોએ જીવન રક્ષક સાધનો સાથે કોઝવેના પાણીમાં ફસાયેલા યુવકને ટયુબની મદદથી બહાર કાઢયો. આરોગ્ય વિભાગની ટીમ અહીં ઉપસ્થિત હોઈ દર્દીને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ વધુ સારવાર્થે તાલુકા હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો.
તમામ વિભાગના સંકલનથી યુવકનું સફળ રેસ્કયુ અને સારવાર મળતા હાલ યુવક સ્વસ્થ છે. આ સમગ્ર ઘટના અંગે લોધીકા મામલતદારે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હોઈ કોઈ દુર્ઘટના ના બને તે માટે આ પ્રકારે ફ્લડની મોકડ્રીલ કરવામાં આવે છે .
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
