<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ભુજ નજીક ભારાપર ગામે અજરામર ટ્રસ્ટ દ્વારા ગૌવંશ સેવાધામનું નિર્માણ: વિધિ વિધાન સાથે ભૂમિપૂજન

ગચ્છાધિપતિ આચાર્ય પૂ. શ્રી ભાવચંદ્રજી સ્વામીની પ્રેરણાથી આગળ ધપતું કાર્ય, મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાની પુણ્યસ્મૃતિમાં મહારાણી પ્રીતિદેવી દ્વારા ભૂમિદાતા તરીકેનું આર્થિક યોગદાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :  રખડતા ભટકતા ઢોરના આશ્રય માટે ભુજ નજીક ભારાપર ગામે આશ્રય સ્થાનનું નિર્માણ કરાઈ રહ્યું છે. અજરામર ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન રખડતા ભટકતા અને ન ધણીયાતા ગૌવંશ માટેના આશ્રય સ્થાન ગૌવંશ સેવા ધામનો વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.

           વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે ૨૭ વર્ષ થયા કાર્યરત સંસ્થાએ ગચ્છાધીપતી આચાર્ય ભગવંત પૂ. શ્રી ભાવચન્દ્રજી સ્વામીના મંગલ આશીર્વાદ અને પ્રેરણાથી નવતર અભિગમ સાથે રખડતા ગૌવંશ માટે આશ્રય સ્થાન પ્રકલ્પ નિર્માણ કરવાના કરેલા દ્રઢ સંકલ્પને મૂર્તિમંત કરવા જીવદયા કેન્દ્રની ભૂમીના શુદ્ધિકરણ અર્થે વિધિ વિધાન સાથે ભૂમીપૂજન કાર્યક્રમ સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો

 સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મયુર બોરીચા અને મીના બોરીચા શાસ્ત્રોક્ત વિધાન સાથે ભૂમિપૂજન વિધિમાં જોડાયા હતા જેને કર્મકાંડના જ્ઞાતા તુષાર મારાજે અર્થપૂર્ણ વિધાન સાથે વિધિ કરાવી હતી.

          આ ધરતીના દેવોની કૃપા અને શુભ દ્રષ્ટિ સદા બની રહે અને આ સ્થળે આશ્રય લેનારા જીવોની સુખાકારી કાયમ જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે સર્વના મંગળની કામના વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાની પુણ્ય સ્મૃતિમાં મહારાણી પ્રીતિદેવી દ્વારા ભૂમિદાતા તરીકે આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે. 

            આ ગૌવંશ ધામ ખાતે નિર્માણની સેવાભાવ સાથે કામગીરી કરનારા લાલજીભાઈ પટેલના હસ્તે વિશ્વકર્મા પૂજન કરાયું હતું. ભારાપર ગ્રામ પંચાયતના સભ્ય બાવા સાહેવ વસીમ સૈયદ અને ગામના અગ્રણી મામદભાઈ રાયમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌસેવા ધામ નિર્માણમાં સંપૂર્ણ સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી.

              આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ મંડળના સભ્યો નરેન્દ્ર કચ્છી, દીપક મહેતા, વિનોદભાઈ ગાલા,નીલેશ એસ.મહેતા,મનસુખભાઈ શાહ,એચ.પી.વરીયા, વિનોદભાઈ એ.ગોર,વિજય વોરા, કિશોર જે અનમ, અર્પી ઠક્કર મયંક સી.બોરીચા વિગેરેએ ભૂમિપૂજન કરી ગૌસેવા પ્રકલ્પ મૂર્તિમંત કરવાના દ્રઢ સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

(9:32 AM IST)