<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ભાણવડ પંથકમાં ર દિવસમાં ૭ ઇંચ વરસાદ પડતા અનેક ડેમમાં નવા નીર

સતસાગર ડેમ છલકાતાં ભાણવડ-પોરબંદર રોડ ઉપર પાણી ફરી વળ્‍યા

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રપ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બે દિવસમાં સતત સાત ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી...પાણી થઇ ગયું હતું.

ભારે વરસાદ પડતા નદીઓમાં પુર આવતા વર્તુ-ર ડેમ છલકાઇ ગયો હતો તો વર્તુ-૧ ડેમ પણ છલકાઇ ગયો હતો. ભાણવડના ધુમલી પાસેનો બરડા ડુંગરમાંથી જેમાં પાણી આવે છે અને ભાણવડ શહેરને જેનું પાણી મળે છે ખત સાગર ડેમ છલકાતા નજીકના વિસ્‍તારના લોકો જોખમી રીતે આ ડેમના પાણીમાં ન્‍હાવા ઉમટી પડયા હતા. તો ભારે વરસાદથી ડેમ છલકતા હેઠવાસમાં ભાણવડ - પોરબંદર રોડ પર પાણી ફરી વળ્‍યા હતાં. રસ્‍તા પરથી જોખમી રીતે વાહન ચાલકો પસાર થતાં હતાં.

આ વખતે અમાસનો મેળો ઇન્‍દ્રેશ્વર મહાદેવ ભાણવડમાં વિકાસ કાર્યો ચાલતા હોય ટીંબડી કપુરડી નેશ યોજાયો હતો. જેનું ઉદ્‌્‌ઘાટન રાજયમંત્રી મુળુભાઇ બેરાએ કરેલું. પણ ભારે વરસાદ થતાં અને મેળાના સ્‍ટોલ પણ ધોવાઇ જતાં મેળો તથા રાત્રે લોકડાયરો પણ રદ થયો હતો. ઇન્‍દ્રેશ્વર મહાદેવ મંદિરે અમાસના લોકો મોટી સંખ્‍યામાં ઉમટયા હતા તથા ત્રિવેણી સ્‍નાન, પિતૃ પાણી રેડવું પીપળા પૂજન દર્શનનો લાભ લીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલો તથા દ્વારકા અને પોરબંદર બન્ને જિલ્લાના ગામોને અસરકરતો વર્તુ-ર ડેમ ભરાઇ જતાં ઉપરવાસ ભારે વરસાદથી પાણીની ખુબ આવક હોય દરવાજા ખોલાતા નીચેના વિસ્‍તારમાં પાણી...પાણી થઇ ગયું હતું.

ભાણવડના ઇન્‍દ્રેશ્વરના ત્રિવેણી સંગમની આગળ બનેલ આ વર્તુ ડેમ ઓવરફલો તથા દરવાજા ખુલવાની જાણ થી નીચેના ગામોના લોકોને સરપંચોને તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

પરંતુ તંત્રએ મીડીયાને ના જણાવતા લોકો સોશ્‍યલ મીડીયાનાો ઉપયોગ કરનારાઓને બહુ મોડી જાણ થઇ હતી.

ડેમના દરવાજા ખોલાતા જામરાવલ પાણી...પાણી... થઇ ગયું હતું. તથા કેટલાક રસ્‍તાઓ બંધ થઇ ગયા હતા. તો ખંભાળીયા- પોરબંદર રસ્‍તા પરના અવરજવરને પણ કયાંક પરેશાની થઇ હતી. (પ-૧૭)

(1:28 PM IST)