News of Tuesday, 26th August 2025
નવાગામ આણંદપરમાં ખાબોચીયામાંથી પાણીના છાંટા ઉડતાં ધોકા-ગુપ્તીથી ધમાલઃ ખૂનની ધમકીઃ સામે-સામે ૮ સામે ગુનો
ગીતાબેન રાઠોડની ફરિયાદ પરથી પ્રવિણભાઇ ડાભી, હેમત, નાનજીભાઇ, કૃણાલ અને અજાણ્યા સામે અને સામા પક્ષે પ્રવિણભાઇની ફરિયાદ પરથી મહેન્દ્ર, તેના પત્નિ અને પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૬: કુવાડવા રોડ નવાગામ આણંદપરમાં રહેતાં યુવાન ગાડી લઇને નીકળ્યા ત્યારે વરસાદી પાણીના ખાબોચીયામાંથી પડોશી પ્રોૈઢને પાણીના છાંટા ઉડતાં બોલાચાલી થતાં એક બીજા પર તૂટી પડી ધમકીઓ દઇ ઝપાઝપી મારામારી કરતાં પોલીસે સામ-સામે ગુના દાખલ કર્યા હતાં. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપરમાં વૃજવીલા રેસીડેન્સી ઘર નં. ૫૬ તળાવ રોડ પર રહેતાં ગીતાબેન મહેન્દ્રભાઇ રાઠોડ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી આણંદપરમાં જ રહેતાં પ્રવીણભાઇ ડાભી, તેમના ભાઇ હેમતભાઇ ડાભી, નાનજી ડાભી, કૃણાલ નાનજીભાઇ ડાભી અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ગીતાબેન રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવા ર સાથે રહુ છું. મારે ત્રણ સંતાન છે. મારા પતિ મહેન્દ્રભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. ૨૪/૮ના બપોરે બારેક વાગ્યે મારા પતિ શાકભાજી લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ત્રણેક વાગ્યે અમારી શેરીમાં દેકારો થતાં હું બહાર જતાં પડોશી પ્રવીણ ડાભી સાથે મારા પતિ બોલાચાલી કરતાં હોઇ માણસો ભેગા થઇ ગયા હતાં. મેં મારા પતિને ઝઘડાનું કારણ પુછતાં તેણે કહેલે કે-હું શાકભાજી લઇને ઘરે આવતો હોઇ પ્રવિણ શેરીમાં ઉભો હોઇ રસ્તાના ખાબોચીયામાં ભરાયેલા પાણીમાં ગાડી ચલાવતાં પ્રવીણને છાંટા ઉડતાં તેની સાથે બોલાચાલી થઇ છે.
આથી મેં મારા પતિ અને પ્રવિણભાઇ બંનેને ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં અને છાંટા ઉડયા તે બદલ મેં પ્રવિણભાઇની માફી માંગી લીધી હતી. આમ છતાં તેણે પોતાના સગા હેમંત સહિતને બોલાવ્યા હતાં અને અમારી સાથે વધુ ઝઘડો કર્યો હતો. આથી બીજા લોકોએ અમને છુટા પાડયા હતાં આથી અમે ઘરે જતાં રહ્યા હતાં. બાદમાં રાતે દસેક વાગ્યે ફરીથી શેરીમાં દેકારો થતાં હું બહાર જતાં મારા પતિ સાથે હેમત બોલાચાલી કરતો હોઇ મારા પતિને હું ઘરમાં લઇ ગઇ હતી. તેણે મને કહ્યું હતું કે હું બહારથી ઘરે આવતો હતો ત્યારે હેમત મળતાં મેં તેને કહેલુ કે ઝઘડો કરવો હોય તો એકલા અવાય માણસો બોલાવીને ઝઘડા ન કરાય. આ પછી થોડીવાર બાદ કોઇ અજાણયો શખ્સ ધોકો લઇને અમારા ઘરે આવ્યો હતો અને મહેન્દ્ર ક્યાં છે આજે તો મારી જ નાખવો છે તેને બહાર કાઢો તેમ કહી દેકારો કર્યો હતો. હું બહાર જોવા જતાં કાળા ટીશર્ટ વાળો શખ્સ ધોકા સાથે ઉભો હતો. આ શખ્સો ધોકો ઉગામતા મારા દિકરાએ વચ્ચે પડી તેને ધક્કો મારી દૂર ખસેડયો હતો. ત્યાં હેમત ગુપ્તી લઇને ધસી આવ્યો હતો અને પાછળ બીજો અજાણ્યો પણ હાથમાં ફરસી લઇને આવ્યો હતો. આ વખતે પડોશી કરણભાઇએ અમને છુટા પાડયા હતાં. બાદ હું ઘરનો દરવાજો બંધ કરતી હતી ત્યાં નાનજીભાઇ લાકડી લઇને આવ્યા હતાં અને લાકડી ઉગામતાં મારો દિકરો વચ્ચે પડતાં નાનજીભાઇના દિકરા કૃણાલે આવી ધમકી આપી હતી. આથી મેં પોલીસને જાણ કરી હતી. અમારે સમાધાનની વાત ચાલતી હોઇ જે તે વખતે ફરિયાદ કરી નહોતી. પણ રાતે સવા બે વાગ્યે મારા પતિને દુઃખાવો ઉપડતાં સારવાર માટે દાખલ કરાયા હતાં અને બાદમાં અમે ફરિયાદ કરી હતી. સામા પક્ષે નવાગામ આણંદપરમાં રહેતાં અને નિવૃત જીવત જીવતાં પ્રવિણભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી પડોશી મહેન્દ્રભાઇ તેના પત્નિ ગીતાબેન અને પુત્ર જતીન વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
પ્રવિણભાઇ ડાભીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને નિવૃત જીવન જીવુ છું. ૨૪ના બપોરે હું ઘરેથી ચાલીને મિત્રને મળવા જતો હતો ત્યારે અમારી સોસાયટીના મહેન્દ્રભાઇતેની ગાડી લઇને આવતાં ખાબોચીયુ ભરાયું હોઇ તેમાંથી ગાડી હંકારતાં મને છાંટા ઉડતાં મેં તેને ધ્યાન રાખી ચલાવવાનું કહેતાં તેણે ગાળો દઇ મારો કોલર પકડી લીધો હતો. એ દરમિયાન મારા નાના ભાઇ હેમતભાઇ અને તેના પત્નિ તથા બીજા કુટુંબીઓ આવી જતાં મને છોડાવ્યો હતો. મહેન્દ્રભાઇએ મારા નાના ભાઇ સાથે પણ ઝઘડો કર્યો હતો. બાદમાં રાતે સાડા નવેક વાગ્યે ફરીથી મારા નાના ભાઇ હેમતભાઇનો ફોન આવેલો કે મહેન્દ્રભાઇ ફરીથી તેની સાથે ઝઘડો કરે છે. આથી હું મારા ભાઇના ઘર પાસે જતાં મહેન્દ્રભાઇ, તેના પત્નિ અને પુત્ર ઝઘડો કરતાં હતાં. મને તથામ ારા ભાઇને ગાળો દઇ બધાને જોઇ લઇશ, તમારે બધાએ ભોગવવું પડશે, આજે નહિ તો કાલે પરિણામ ભોગવવું પડશે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. બંને બનાવમાં કુવાડવા પોલીસ સ્ટેશનના એએસઆઇકે. એચ. પળાલીયા અને એમ. એમ. અજાગીયાએ ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
