News of Thursday, 28th August 2025
શાપરમાં ફેક્ટરીમાં ક્રેઇન પડતાં બચવા જતાં પટકાયોઃ મજૂરનું મોત
મુળ યુપીના રામશંકર વર્માએ સારવારમાં દમ તોડયોઃ સગર્ભા પત્નિ સહિતના પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: શાપર વેરાવળમાં બેરીંગની કંપનીમાં નોકરી કરતો મુળ યુપીનો યુવાન ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો ત્યારે ક્રેઇનનો બેલ્ટ તૂટતાં ક્રેઇન માથે ન આવે તે માટે બચવા જતાં ભાગતાં તે ભઠ્ઠીના ખાડામાં પડી જતાં ઇજા થતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ શાપરમાં કાવેરી ડોર પાસે આવેલી બેરીંગની ફેક્ટરીમાં કામ કરતો ઉત્તરપ્રદેશનો રામશંકર પાતીરામ વર્મા (ઉ.વ.૨૭) ગઇકાલે કંપનીમાં કામ કરતો હતો ત્યારે ક્રેઇનનો બેલ્ટ તુટતાં ક્રેઇન નીચે ખાબકી હતી, તેનાથી બચવા રામશંકર દૂર ભાગવા જતાં ભઠ્ઠીના ખાડામાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાતે દમ તોડી દેતાં સાથી મજૂરો, પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભા વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ અને પ્રકાશભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રામશંકર બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં બે દિકરા છે અને હાલ પત્નિ સગર્ભા છે. મૃતદેહને અંતિમવિધી માટે યુપી લઇ જવાયો હતો. (૧૪.૬)
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
