News of Thursday, 28th August 2025
ધ્રોલના સોયલ ટોલનાકા નજીક વિચિત્ર અકસ્માત : છોટાહાથીના ચાલકનો ડમ્પર નીચે કચડાઈ જતાં ભોગ લેવાયો
બંધ પડેલું છોટા હાથી રીપેર કરી રહેલા ચાલક યુવાનને ડમ્પર ચાલકે પાછળથી આવી કચડી નાખતાં કરૂણ મળત્યુ નિપજ્યું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ર૮: જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, અને માર્ગ પર બંધ પડી ગયેલું છોટાહાથી રીપેર કરી રહેલા તેના ચાલકને પાછળથી આવેલા ડમ્પર ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં કરુણ મળત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રહેતા અને દિનેશ શોપ ફેક્ટરી ચલાવતા સંજયભાઈ કાંતિલાલભાઈ શાહ નામના વેપારીએ પોતાના છોટાહાથીના ચાલક અમિત અતુલભાઇ ગડાદરા નામના યુવાનને પાછળથી ધસી આવી કચડી નાખી મળત્યુ નીપજાવવા અંગે ડમ્પર નંબર જીજે ૧લ૧૬ એ.વી. ૭૧૧૧ ના ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સંજયભાઈ શાહની ફેક્ટરીમાં છોટાહાથીના ચાલક તરીકે નોકરી કરતો અમિત ગઢાદરા કે જે ગઈકાલે કંપનીનું જીજે-૩ બી.વાય. ૮૨૯૫ નંબરનું છોટા હાથી લઈને જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સોયલ ટોલનાકા પાસે છોટા હાથીની એક્સેલ ભાંગી જતાં માર્ગ પર બંધ પડી ગયું હતું. તેથી પોતે પાછળના વ્હીલમાં જેક લગાવીને રીપેરીંગ કામ કરી રહ્યો હતો, તે વેળાએ પાછળથી પુર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે છોટા હાથીને ટક્કર મારી દીધી હતી, અને નીચે કામ કરી રહેલા અમિતનું ડમ્પર નીચે ચગદાઈ જવાના કારણે ગંભીર ઈજા થયા બાદ કરુણ મળત્યુ નીપજ્યું છે. સમગ્ર મામલામાં ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
