<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

પ્રેમ સંબંધમાં ફોન બ્લોક કર્યો અને ઉશ્કેરાયેલા પ્રેમીએ કોલેજની બહાર જ યુવતીનું છરી વડે ગળુ કાપી નાખ્યું :જુઓ વિડીયો

ભુજની સંસ્કાર કોલેજના હુમલા પ્રકરણમાં ખુલાસો, પોલીસે હત્યારા પ્રેમી મોહિતની ધરપકડ કરી

(વિનોદ ગાલા દ્વારા ભુજ) ભુજની સંસ્કાર કોલેજમાં ભણતી યુવતી ઉપર છરી વડે કરાયેલ જીવલેણ હુમલો અને હત્યાના બનાવે સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર સર્જ્યા બાદ આ કેસમાં પ્રેમ પ્રકરણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગઈકાલે થયેલ હુમલા બાદ સારવાર દરમ્યાન વહેલી પરોઢે હતભાગી યુવતી સાક્ષી જેઠાલાલ ખાનિયાનું મોત નીપજતાં આ બનાવ હત્યામાં ફેરવાયો હતો. દરમ્યાન પશ્ચિમ કચ્છ પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસ તપાસમાં મૃતક યુવતી સાક્ષી અને આરોપી મોહિત ગાંધીધામમાં પડોશમાં રહેતા હોવાનું અને ત્રણ વર્ષથી પ્રેમમાં હોવાનું ખુલ્યું હતું. પરંતુ સાક્ષીના પરિવારને આ પ્રેમ સંબંધ મંજૂર ન્હોતો સાક્ષી ભણવા ભુજ આવી હતી. મોહિત તેને ફરી ગાંધીધામ આવવા ફોન દ્વારા દબાણ કરતો હતો. એટલે સાક્ષીએ પોતાની માતાના કહ્યા પ્રમાણે મોહિતનો ફોન બ્લોક કરી નાખ્યો. બસ પછી ઉશ્કેરાટમાં ભુજ દોડી આવેલા મોહિતે સંસ્કાર કોલેજમાંથી ભાનુશાલી હોસ્ટેલમાં જઈ રહેલ સાક્ષીને ગળા ઉપર છરી ઝીંકી દીધી હતી જે જીવલેણ નીવડી. મોહિત સાથે આવેલા તેના મિત્ર જયેશ ઠાકોરે છોડાવાનો પ્રયાસ કર્યો તો એને પણ છરી ઝીંકી હતી. પશ્ચિમ કચ્છ પોલીસના ડિવાયએસપી આર.ડી. જાડેજાએ આ પ્રકરણ સંબંધિત પોલીસે કરેલ કાર્યવાહી અંગે મીડિયાને માહિતી આપી હતી.

(5:11 PM IST)