<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

અંજાર નજીક થયેલ ગંભીર અકસ્માત બદલ ખાડા જવાબદાર: નેશનલ ઓથોરીટી સામે ફોજદારી ફરિયાદ કરવા કોંગ્રેસની માંગ

ત્રણ યુવાનોનો ભોગ લેવાયો, જર્જરિત રસ્તાઓથી લોકો પરેશાન પણ કચ્છના ધારાસભ્યો અને સાંસદ માત્ર ઉદ્ઘાટનોમાં વ્યસ્ત, નશો કરી ડ્રાઇવિંગના બનાવોથી વધતા અકસ્માતો ચિંતાજનક

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  અંજાર-મુંદ્રા રોડ ઉપર ખેડોઈ ગામની નજીક ખૂબ જ ગંભીર અકસ્માત નો બનાવ બન્યો જેમાં

૩ નવયુવાનોના કરુણ મોત થયા છે આ ખૂબ જ દુખદ ઘટના બનેલ છે. નવયુવાનોના પરિવાર ઉપર આવી પડેલ દુખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને દિવગંત આત્માઓને પ્રભુ શાંતિ આપે. કચ્છ જિલ્લામાં એક દિવસ પહેલા જ મુંદ્રા વિસ્તારમાં પણ બે નવયુવાનોએ પણ અકસ્માતમાં જીવ ગુમાવેલ અને આવી ઘટનાઓ કચ્છ માં વારંવાર બની રહી છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. અને આવા અકસ્માતો માટે જવાબદાર કોણ ? સરકાર અને રોડ વિભાગના અધિકારીઓ ગણાય કારણ કે અત્યારે નેશનલ હાઇવે હોય કે સ્ટેટ હાઇવે હોય દરેક રોડ ઉપર મોટા-મોટા ખાડાઓ પડેલ છે સમયસર રીપેર કરવામાં આવતા નથી., અને જેના કારણે આવા અકસ્માતો થાય છે. અને ઘણા નિર્દોષ લોકો જાન ગુમાવે છે. સરકાર માત્ર વિકાસના દાવાઓ કરે છે અને ભાજપના ધારાસભ્યો અને સાંસદ નાના નાના કામો માટે ઉદ્ઘાટન કરવા પહોંચી જાય છે પરંતુ એમના જ વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. એની કોઈ ચિંતા કરતાં નથી. અને તંત્રની ઘોર બેદરકારી ના કારણે આવા અકસ્માતો થાય છે.

 તાજેતરમાં ઠેર ઠેર જગ્યાએ ભિમાસર-ભુજ હાઇવે નં. ૩૪૧ માં ખાડાઓ કરવામાં આવે છે અને વરસામેડી ઓવરબ્રિજ પાસે નેશનલ હાઇવે ઉપર રસ્તાઓ ખોદી દેવામાં આવેલ હતા અને કોઈ બેરીકેટ પણ રાખેલ ના હતા. આ રસ્તેથી આ રજૂઆત કરનાર વી. કે. હુંબલ પોતે પસાર થતાં હતા અને મોટો અકસ્માત થાય તે પહેલા નેશનલ હાઇવેના કોન્ટ્રાકટર જી.આર.કંપનીના પ્રોજેક્ટ મેનેજરને ફોન કરી અને જાનહાનિ થાય તે પહેલા આવા ખાડાઓ ઉપર બેરીકેટ રાખવામાં આવે તેવી રજૂઆત કરી અને આ સૂચના પછી રાત્રિના સમયે જ દિશા સૂચક બોર્ડ મારવામાં આવ્યા હતા. પરંતુ આવા તો અનેક જગ્યાએ હાઇવે ઓથોરીટીની બેદરકારી અને ભાજપના જન પ્રતિનિધિઓની ઉદાસીનતાને કારણે લોકો ભોગ બની રહેલ છે.

અત્યારે મુંદ્રા થી  ઘણી ગાડીઓ કન્ટેનર ભરી નીકળે છે. જેને બરાબર લોક ના કરવાના કારણે પણ આવા અકસ્માતો થાય છે. જેથી કોંગ્રેસ ની માંગણી છે કે આ અકસ્માત માટે નેશનલ હાઇવેના અધિકારીઓ ઉપર ફોજદારી કેસ કરવામાં આવે. અને સરકાર પણ જવાબદારી સમજી મૃતક પરિવારોને યોગ્ય સહાય મુખ્યમંત્રી રાહત ફંડ માંથી આપવામાં આવે. તેવી માંગ કરવામાં આવે છે. અને આવા દુખદ બનાવમાં

જે યુવાનોએ જીવ ગુમાવ્યા છે તેના પરિવાર પ્રત્યે  સવેદના વ્યક્ત કરવામાં આવે છે. અને આ ગંભીર અકસ્માતોમાં ડ્રાઈવરો પણ લાઇસન્સ વગરના મોત ટ્રેલર ચલાવે છે. નશો કરી ચલાવે છે. અને ઠેર ઠેર જગ્યાએ કચ્છમાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહેલ છે. ઘણી જગ્યાએ ડ્રાઈવરો નશો કરીને ટ્રક ચલાવે છે. પોલીસ અને આર. ટી. ઓ. ને માત્ર હપતાઓ લેવામાં રસ છે. કાયદો અને વ્યવસ્થાની કચ્છમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ છે.

(9:35 AM IST)