<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ભાવનગરના સનેસ ખાતે રૂ.૧૭.૮૩ કરોડના ખર્ચે ડેમ બનશે

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: ભાવનગર જિલ્લાના સનેસ ગામમાંથી પસાર થતી કેરી નદીમાં વલ્લભીપુર બ્રાન્‍ચ કેનાલનો એન્‍ડ પોઇન્‍ટ ભળે છે. આ કેનાલ દ્વારા વધારાનુ નર્મદાનુ પાણી કેરી નદીમાં છોડવુ પડે છે. આ નર્મદાનુ પાણી કેરી નદીમાંથી વહીને સમુદ્રમાં ભળી જાય છે. જે પાણીને અટકાવવા સનેસ ગામના સરકારી ખરાબામાં નદીના વહેણની બાજુમા આવેલ સરકારી પડતરમાં તળાવનું નિર્માણ કરવામાં આવે તો આ વ્‍યય થતાં મીઠા પાણીનો સદુપયોગ થાય અને આ વિસ્‍તારના ખેડુતોને ખેતીમાં ખુબ જ ફાયદો થાય તેમ હોઈ, જે મુજબ સરકારી પડતર જમીનમાં અંદાજે ૬.૪૦ (લાખ) ચો.મી. વિસ્‍તારમાં એક તળાવ બનાવવાનુ આયોજન કરવામાં આવ્‍યું છે. ઉપરોક્‍ત ડેમમાં અંદાજીત ૩૪.૨૭ (MCFT) પાણીનો સંગ્રહ થશે. જેને કારણે સનેસ તેમજ આજુ બાજુના ખેડુતોની અંદાજે ૨૦૦ હેકટર જમીનને ફાયદો થાય તેમ છે. જેનો પ્રાથમિક અંદાજ રૂ.૧૭૮૩.૩૦(લાખ) થવા જાય છે. જેની વહિવટી મંજુરી સરકારશ્રીમાંથી પત્ર ક્રમાંક નં. NWRWSKD/૧૮૪૩/૦૩/૨૦૨૫ તા. ૨૯/૦૩/૨૦૨૫ થી મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૦૭/૦૫/૨૦૨૫ના રોજ સનેસ ગામના આગેવાનો દ્વારા જાહેર હિસાબ સમિતિના ચેરમેનશ્રી સમક્ષ સનેસ તળાવના સ્‍થળ ફેરફારની રજૂઆત કરવામાં આવતા જાહેર હિસાબ સમિતિના ચેરમેન  જીતુભાઈ વાઘાણીએ સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી  કુંવરજીભાઇ બાવળીયાને આ બાબતે રજૂઆત કરતા મુખ્‍ય ઇજનેર અને અધિક સચિવશ્રી સૌરાષ્‍ટ્રની મૌખિક સુચનાથી સનેસ ગામના આગેવાનો સાથે તા.૧૩/૦૫/૨૦૨૫ ના રોજ નવા સ્‍થળ માટે મુલાકાત લેવામાં આવી હતી અને સ્‍થળ ફેરફાર કરી સરકારશ્રી દ્વારા રૂ.૧૭.૮૩ કરોડના ખર્ચે ડેમ/તળાવ બનાવવાની મંજુરી સિંચાઈ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આપવામાં આવી છે. ઉપરોક્‍ત સ્‍થળ ફેરફાર વાળી સરકારી પડતર જમીન સર્વે નં.૨૦૯/૧ માં ૬.૪૦ (લાખ) ચો.મી જમીનને તળાવ તરીકે નીમ કરવા માટેની દરખાસ્‍ત પ્રાંત કચેરી, ભાવનગર ખાતે પ્રગતિ હેઠળ છે. સુધારા સાથે સુધારેલી વહીવટી મંજૂરી રોજ સરકારશ્રીમાંથી આપવામાં આવેલ છે. જેના ડીટીપી તૈયાર કરી, ટેન્‍ડર પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.  આ સનેસ ડેમ બનતા ૭-૮ ગામના ખેડૂતોને મીઠા પાણીનો સિંચાઈ તેમજ પીવાના પાણીનો લાભ મળશે.  આ ડેમ બનવાથી ભાવનગર મહાનગરપાલિકા તેમજ ઉદ્યોગોને પણ પીવાના પાણીનો લાભ મળશે.

(12:16 PM IST)