News of Saturday, 30th August 2025
અમરેલીના બીટકોઇન-અપહરણ કેસમાં ચુકાદા મુદ્દે હાઇકોર્ટમાં અપીલ કરાશે
ર૦૧૮ માં પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સહિતના સામે ગુન્હો નોંધાયો હતો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩૦: રાજ્યભરમાં ગાજેલા અમરેલીનાં વર્ષ ૨૦૧૮ના બિટકોઈન તોડકાંડ અને અપહરણકેસમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની ACBની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ IPS જગદીશ પટેલ સહિત ૧૪ને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ૨૦૦ બિટકોઈન પડાવી ૩૨ કરોડ ખંડણી માગી હતી. ઉલ્લેખનીય છે કે, નલિન કોટડિયા ૨૦૧૨માં GPP માંથી ધારી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પૂર્વ, MLA, પૂર્વ IPS, LCB પીઆઈ અને CBI ઇન્સ્પેક્ટર સહિત ૧૫ની ધરપકડ થઈ હતી. તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસવડા જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઈ અનંત પટેલ, તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર સુનીલ નાયર, કિરીટ પાલડિયા, વકીલ કેતન પટેલ, પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ GPP MLA નલિન કોટડિયા સહિત ૧૫ લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી એકમાત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે. આ ચુકાદા અંગે આરોપીઓના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું કે, ચુકાદાનો અભ્યાસ કરીને હાઇકોર્ટમાં અપીલ કરાશે. આ ચુકાદો ૫૪૭ પેજનો છે. જેમાં સરકાર તરફે ૧૭૨ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જયારે બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો. જેની વર્ષ ૨૦૧૮માં ચાર્જશીટ ફાઈલ થઈ હતી. જ્યારે અંતિમ દલીલો ત્રણ મહિના જેટલો સમય ચાલી હતી. આ દરમિયાન ૯૨ જેટલા સાક્ષીઓફરી ગયા હતા. ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકાર પક્ષના કેસને સમર્થન આપ્યું નહોતું. રાજેશરૂપારેલીયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવામાં આવી હતી. ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઈન લૂંટી લેવાનો અમરેલી પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને જાણ કારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી ૨૦૦ બિટ કોઈન લૂંટી લીધા છે. એના આધારે નલિન કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી રીલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. એમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સ્પેકટર સુનીલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા. ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઈન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ ક્રાઈમે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આ દોષિતો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી. શૈલેષ ભટ્ટની અરજી પર ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. શૈલેષ ભટ્ટ પર આક્ષેપ છે કે તેણે ૨૨૫૭ બિટકોઈન, લાઈટ કોઇન અને ૧૪.૫ કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડયા છે. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને ૨૦૨૧ બિટકોઈન, ૧૧૦૦૦ લાઈટ કોઈન અને ૧૪.૫ કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે ૧.૧૪ કરોડ રૂપિયા ડૂબી જતાં તેને પ્લાન બનાવીને કંપનીના હોદેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટે એ સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસર સામે ફરિયાદ નોંધાવેલી. એમાં તેણે જણાવ્યું હતું કે તેને કિડનેપ કરીને તેની પાસેથી ૧૭૬ બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBI ના પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલકુમાર વિરુદ્ધ કરી હતી, જેને અરજદારને EID અને આયકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂપિયાની લાંચ માગી હતી, જેની ડીલ ૦૫ કરોડમાં નક્કી થઈ હતી અને ૪.૬૦ કરોડ ચૂકવવામાં આવ્યા હતા.નલિન કોટડિયા(પૂર્વ ધારાસભ્ય) શૈલેષ ભટ્ટે બિટકોઇન ખરીદ્યા બાદ અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આ વાતની જાણ થઇ અને તેણે શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે એક પ્લાન થડી કાઢયો અને અમરેલીના તત્કાલીન એસપીની સાથે હાથ મિલાવ્યો અને આખો મામલો સામે આવ્યો. ત્યાર બાદ કોટડિયાની ધરપકડ થઈ હતી. જગદીશ પટેલ (તત્કાલીન અમરેલી SP) શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને નલિન કોટડિયાએ હાથ મિલાવ્યા. ત્યાર બાદ જગદીશ પટેલે શૈલેશ ભટ્ટને ત્યાં રેડ પાડી. બન્નેએ ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા હતા, જેને પગલે જગદીશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી. સુનિલ નાયર (તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર) સુનિલ નાયરે ૭ ફેબ્રુઆરી, ૨૦૧૮નારોજ સાંજે ૫-૪૭ કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસે આવવા કહ્યું હતું. શૈલેષ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિજ્ઞેશ મોરડિયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. ઘવલ માવાણી પાસેથી બિટકોઈન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યુંહતું. ૮ ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે પ કરોડની માંગ કરી હતી. જેમાંથી ૪ કરોડ રૂપિયા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં ગાંધીનગર ઈન્કોસિટી ખાતે મોકલાવ્યા હતા. જે કિરીટ પાલડિયાએ સુનિલ નાયર સુધી પહોંચાડયા હતા.આ કેસમાં ધારીનાં પુર્વ ધારાસભ્ય નલીનભાઈ નાનજીભાઈ કોટડીયા, પુર્વ આઈપીએસ અને તત્કાલીન એસપી જગદીશભાઈ અરવિંદભાઈ પટેલ, ક્રાઈમ બ્રાન્ચનાં તત્કાલીન પીઆઈ અનંતભાઈ ઙ્કકાશભાઈ પટેલ, સુરતનાં કિરીટ મધુભાઇ પાલડીયા અને કેતન ઉર્ફે ઇકબાલ ધીરૂભાઈ પટેલ તથા અમરેલીની ક્રાઇમ બ્રાન્ચનાં તત્કાલીન કર્મચારીઓ વિજયભાઇ મુળજીભાઇ વાઢેર, બાબુભાઈ વાજસુરભાઈ ડેર, સંજયભાઈ મધુભાઈ પદમાણી, નુરભાઇ મહમ્મદભાઇ સીરમાન, મયુરભાઈ ભરતભાઈ માંગરોળીયા, પ્રતાપભાઈ ગોરખભાઇ ડેર, જગદીશભાઈ વાલાભાઈ જણકાટ, સુરેશભાઈ નાજભાઈ ખુમાણ, ઉમેદભાઈ મનસુખભાઇ મહેતાને સ્પે.એસીબી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ નાં બીટકોઈનાં આ તોડકાંડમાં તત્કાલીન એસપી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનાં અધિકારી, કર્મચારીઓની ધરપકડ થતા પોલીસનું મોરલ ડાઉન થયું હતું અને તેના કારણે રાજય સરકારે અમરેલીમાં કાયદાનો સખત અમલ કરાવવા માટે સુરતથી હાલ એસએમસીનાં ડીઆઇજી શ્રી નિર્લિપ્ત રાયને અમરેલીમાં પોસ્ટીંગ આપ્યું હતું.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
