<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

બાબરા ખંભાળામાં ખેડૂત રાજેશ સાપરાનો ઝેરી દવા પી આપઘાત

સાત વર્ષની ભત્રીજીએ કાકાને બેભાન જોતાં પરિવારજનોને જાણ કરીઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ કારણ અકળ

 

રાજકોટ તા. ૨: બાબરા તાબેના ખંભાળા ગામે રહેતાં રાજેશભાઇ વિઠ્ઠલભાઇ સાપરા (ઉ.વ.૩૦) નામના ખેડુત યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રાજેશભાઇ ગત ૩૦મી તારીખે બપોરે વાડીમાં બેભાન જેવી હાલતમાં પડયા હોઇ બાજુમાં વાડીના મકાનમાં  તેના કુટુંબીજનો રહેતાં હોઇ સાત વર્ષની ભત્રીજી આ વાડીમાં આટો મારવા આવી ત્‍યારે તેણે કાકા રાજેશભાઇને બેભાન જેવી હાલતમાં જોતાં પરિવારજનોને કાકા જાગતાં નથી તેવુ કહેતાં પરિવારજનો દોડી આવ્‍યા હતાં અને તપાસ કરતાં રાજેશભાઇએ ઝેરી દવા પી લીધાનું જણાતાં તુરત જ સારવાર માટે જસદણ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

અહિ રાત્રીના તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ખાનગી હોસ્‍પિટલ મારફત જાણ થતાં સ્‍થાનિક પોલીસે કાગળો કરી બાબરા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રાજશેભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી છે. તેના માતા હયાત છે, પિતા હયાત નથી. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(10:55 AM IST)