તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૧ બુધવાર
News of Tuesday, 2nd September 2025
રૂા. ૧૦૦ નહીં આપતા વઢવાણના ગુંદિયાળા ગામે બેરોજગાર પતિએ પત્નિનું ઢીમઢાળી દીધુ

વઢવાણ તા. ર :.. તાલુકાના ગુંદીયાળા ગામે ૪૬ વર્ષીય ઉપેન્દ્રભાઈ છગનભાઈ પટેલ રહે છે. તેઓને ગામની સીમમાં ૬ એકરની વાડી આવેલી છે. આ વાડી છેલ્લા ૩-૪ માસથી મુળ એમ.પી.ના અલીરાજપુર જિલ્લાના કઠેવાડા તાલુકાના રોડઢુ ગામના કાલીયા ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ઓહરીયાને ૨૭ ટકા ભાગથી વાવવા આપેલ છે. વાડીમાં ખેતમજુરી માટે કાલીયા, તેની પત્ની નુરલીબેન ઉર્ફે નુરી, તેમના ૨ દિકરાઓ પીન્ટુ અને રાહુલ રહેતા હતા. આ પરીવારમાંથી ખેતમજુરીનું કામ કાલીયા ઓછુ કરતો હતો. અને નુરીબેન તથા તેમના ૨ બાળકો જ કામ કરતા હતા. અને જયારે જયારે તેઓને ઉપાડની જરૂર પડે ત્યારે ઉપેન્દ્રભાઈ નુરીબેનને જ આપતા હતા. જયારે નુરીબેન પણ મારા પતિ કંઈ કામધંધો કરતા નથી, અને મારી પાસેથી રૂપીયા લઈ વાપરી નાંખે છે. જેથી ઉપાડના પૈસા તેમને જ આપવા કહેતા હતા. અને કાલીયા ઉપાડ માટે ઉપેન્દ્રભાઈ પાસે આવે તો તે તેને ના પાડતા હતા. આથી કાલીયા અવારનવાર તેની પત્ની નુરીબેન પાસે ઉપાડના રૂપીયા માંગતો અને બન્ને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા હતા.
વહેલી સવારે કાલીયાનો દિકરો પીન્ટુ ઉપેન્દ્રભાઈ પાસે આવ્યો હતો અને મારા માતા-પિતા વચ્ચે ઝઘડો થયો છે અને મારા પિતાએ મારી માતાના માથામાં ઈંટો મારી છે તેમ કહેતા ઉપેન્દ્રભાઈ તેની સાથે વાડીની ઓરડીએ ગયા હતા. અને સરપંચને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા. જયાં જઈને જોતા નુરીબેન બેભાન હાલતમાં પડયા હતા અને તેના માથામાંથી લોહી વહેતુ હતુ. આ અંગે નાના દિકરા રાહુલે જણાવ્યુ કે, વહેલી સવારે ૪ કલાકે તેના પિતા કાલીયાએ માતા નુરીબેન પાસે રૂપીયાની માંગણી કરી હતી. જેમાં નુરીબેને મારી પાસે પૈસા નથી તેમ કહેતા કાલીયાએ તું શેઠ પાસેથી ઉપાડ તો લઈ આવે છે, તેમાંથી મને આપ તેમ કહી બોલાચાલી કરી હતી. અને બાજુમાં પડેલ ઈંટ તથા પથ્થર લઈને નુરીબેનના માથે માર્યા હતા. આથી ગામલોકો નુરીબેનને યુટીલીટી માં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલ લઈ ગયા હતા અને દવાખાને પહોંચતા તબીબોએ નુરીબેનને મળત જાહેર કર્યા હતા. અને ઉપેન્દ્રભાઈની ફરિયાદની આધારે કાલીયા ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ઓહરીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. અને પીઆઈ એચ.જી.ગોહીલ સહિતની ટીમે ગણતરીની કલાકમાં પતિ કાલીયાને ઝડપી લીધો હતો.
વઢવાણમાં પત્નીએ ૧૦૦ રૂપિયા નહીં આપતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. પતિએ પથ્થર અને ઈંટોના ઘા મારી પત્નીની હત્યા કરી નાંખી હતી. પતિ બેકાર ફરતો હતો તેની પાસે કોઈ કામ ધંધો નહોતો.
પતિ કામ ધંધો કર્યા વિના બેકાર ફરતો હતો. તેની પત્ની નુરલીબેન ખેતરમાં ખેત મજૂરી કરીને ઘરની જવાબદારી નિભાવતા હતાં. તેમના પતિ કાળુભાઈ ધંધો રોજગાર કરતા નહોતા.
આરોપી પતિએ તેની પત્ની નુરલીબેન પાસે ૧૦૦ રૂપિયા માગ્યા હતાં. જેથી પત્નીએ તેને પૈસા આપવાની ના પાડી હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર માર્યો હતો. પતિએ પથ્થર અને ઈંટોના ઘા કરીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
