<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

અમરેલીમાં શ્રી ગણપતિ મહોત્સવમાં દુંદાળા દેવની આરાધના સાથે રાષ્ટ્રચેતના ઉજાગર થઈ : ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર શ્રી ગણેશ પંડાલ : સેવાકીય સંસ્થા સારહિ યુથ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન :જુઓ વિડીયો

શ્રી ગણપતિ દાદાના ભાવપૂર્વક દર્શન કરવાની સાથે ભારતીય સેનાના જવાનો, ફાઈટર પ્લેન, બ્રહ્મોસ મિસાઈલ સહિતની પ્રતિકૃતિ નિહાળી રોમાંચ અનુભવતા ભાવિકો : ભારતીય સેનાના પરાક્રમ - ઓપરેશન સિંદૂરની ઝાંખી નિહાળી પ્રેરણા મેળવતા યુવા દર્શનાર્થીઓ

અમરેલી તા.૨  ;  અમરેલીમાં શ્રી ગણપતિ મહોત્સવમાં દુંદાળા દેવની આરાધના સાથે રાષ્ટ્રચેતના ઉજાગર થઈ રહી છે. શહેરના ફોરવર્ડ સર્કલ પાસેના સિનિયર સિટીઝન પાર્ક ખાતે સેવાકીય સંગઠન સારહિ યુથ ગ્રુપ દ્વારા ખાસ ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતા અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર વિશેષ શ્રી ગણપતિ મહોત્સવ ઉજવાય રહ્યો છે. 

ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આયોજિત આ શ્રી ગણેશ પંડાલમાં સેનાના જવાનો, ફાઈટર પ્લેન બ્રહ્મોસ સહિતની મિસાઈલના પ્રતિકૃતિ સ્વરૂપ કટઆઉટ મુકવામાં આવ્યા છે, જે ભગવાન શ્રી ગણેશજીના દર્શને આવતા ભાવિકોમાં નવી રાષ્ટ્રચેતના જગાવે છે અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ બળવત્તર પણ બનાવે છે. 

અહીં આવતા યુવા દર્શનાર્થીઓ શ્રી ગણપતિ દાદાના ભાવપૂર્વક દર્શન કરવાની સાથે ભારતીય સેનાના પરાક્રમમાંથી પ્રેરણા પણ મેળવી રહ્યા છે. સરહી યુથ ગ્રુપના ખજાનચી તરીકે શ્રી સુરેશભાઈ શેખવા જણાવે છે કે, દર વર્ષે સરહી ગ્રુપ દ્વારા શ્રી ગણેશ ઉત્સવનું  આયોજન કરવામાં આવે છે, આ વર્ષે ખાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને તેમાં ભારતીય સેનાના જવાનોએ પરાક્રમ કરી બતાવ્યું છે, તેની વિશેષ ઝાંખી આ વર્ષના ગણેશ ઉત્સવમાં પ્રદર્શિત કરવામાં આવી છે. 

ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશના આંતકીઓના ઠેકાણાઓને નાસ્તોનાબૂદ કરીને સમગ્ર વિશ્વને ભારતીય તાકાતનો પરિચય કરાવ્યો છે, સાથે જ વિશ્વએ બ્રહ્મોસ મિસાઈલ સહિતના સ્વદેશી હથિયારોની તાકાત પણ બતાવી છે. 

તેમણે કહ્યું કે, અહીં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, આમ, ઓપરેશન સિંદૂરની ઝાંખી કરાવતો ગણેશ પંડાલ દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ પણ બનાવે છે. ઉપરાંત તેમણે ગુજરાત સરકારની શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાને પણ આવકારદાયક ગણાવી હતી.

(3:59 PM IST)