News of Wednesday, 3rd September 2025
ગૌમાતાને મળશે રાજ્યમાતાનો દરજ્જોઃ મુખ્યમંત્રીની ખાત્રી બાદ દેવનાથબાપુના પારણા
ભુજમાં ૯ દિ'ના અનશન દરમ્યાન ડો. પ્રવીણ તોગડિયા, ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, કચ્છના પ્રમુખ વી.કે. હુંબલ અને અન્ય આગેવાનો ઉપરાંત સંતો, મહંતો અને અનેક સંસ્થાઓએ આપ્યું હતું સમર્થન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩: ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે અનશન ઉપર બેઠેલા કચ્છના એકલ માતાજીના મંદિરના મહંત યોગી દેવનાથબાપુના પારણા થયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વતી ખાત્રી આપી કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને અબડાસા વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભુજમાં જિલ્લા કલેક્ટર કચેરી સામે બાપુની ઉપવાસની છાવણીમાં પારણા કરાવ્યા હતા.
મહંત દેવનાથબાપુએ છેડેલા અનશન ઉપવાસ આંદોલનમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો મળે એ માટેની માંગણીમાં કોંગ્રેસ અને ભાજપના રાજકીય આગેવાનોએ ટેકો જાહેર કર્યો હતો.
સાંસદ ગેનીબેન ઠાકોર, કચ્છ કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, ભાજપ નેતા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અન્ય રાજકીય આગેવાનો ઉપરાંત અનેક નાની મોટી સામાજિક સંસ્થાઓ તેમ જ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા સંતો મહંતોએ ટેકો આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ડો. પ્રવીણ તોગડિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ યોગી દેવનાથબાપુ સાથે આ બાબતે ચર્ચા કરી હતી.(૩૮.૧૩)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
