News of Wednesday, 3rd September 2025
જૂનાગઢ, જીંજરીનાં સગર્ભાનાં મોત મામલે હેલ્થ પ્લસ હોસ્પિટલના ૩ સંચાલકની ધરપકડ
ચકચારી કેસની તટસ્થ તપાસ માટે સીટની રચના થઈ હતીઃ જેલમાં ધકેલાયા, કિડની ફેઇલ થવાના કારણે ૨ વર્ષ બાદ પણ ૩ મહિલા સારવાર હેઠળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૩: જૂનાગઢ, જીંજરીનાં સગર્ભાનાં મામલે હેલ્થ પ્લસ હોસ્પિટલના ૩ સંચાલકની પોલીસે ધરપકડ કરી પૂછપરછ બાદ જેલમાં મોકલી આપ્યા હતા.
જૂનાગઢમાં બસ સ્ટેશન પાસેની લાલ બહાદુર શાષી સોસાયટીમાં આવેલ ખાનગી ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમવાયજે યોજનાનો લાભ મળે તે માટે
ઓગસ્ટ ૨૦૨૩માં પ્રસુતા માટે અનેક મહિલાઓ દાખલ થઈ હતી તે પૈકીની ૫ પ્રસુતા મહિલાનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું. સિઝેરિયન બાદ અચાનક સિરમક્રિએટિનાઇન વધવા લાગ્યું અને લીવર ઉપર સોજો આવી ગયો હતો. કિડની ઉપર ઇન્ફેક્શન લાગતા પાંચેય મહિલાની કિડની ફેઇલ થયાનો મામલો બહાર આવ્યો હતો.
ટીંબાવાડીના હિરલબેન આકાશભાઈ મિયાત્રા અને માણાવદર તાલુકાના જિંજરી ગામના હર્ષિતાબેન ભરતભાઈ બાલસનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં ૧ વર્ષ બાદ ૨૦૨૪માં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ મામલે તટસ્થ તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. ભાવનગર ખાતેના વિભાગીય નાયબ નિયામકના વડપણ હેઠળની સીટ દ્વારા ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ હેલ્થ પ્લસ હોસ્પિટલની મુલાકાત લઇ તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ૩૭ દર્દીમાંથી ૧૩ દર્દીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. બાકીના ૨૪ દર્દીમાંથી ૧૦ દર્દીમાં Postoperation Infection (૫ દર્દી સહિત) જાણવા મળેલ. ઘટનાના એક વર્ષ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઘટનામાં હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. હેમાક્ષી કોટડીયાને હાઇકોર્ટે આગોતરા જામીન આપી દીધા હતા. જ્યારે ડો. ડાયના અજુડીયા સામે ગુનો બનતો હોવાના નક્કર પુરાવા પોલીસને હાથ લાગ્યા ન હતા.
બીજી તરફ કિડની ફેઇલ થવાના કારણે જૂનાગઢના મોનિકાબેન નરેન્દ્રભાઈ વાણીયા, તૃપ્તિબેન અલ્પેશભાઈ કાચા, સોમૈયા ઝૈદ કચરા ઘટનાના બે વર્ષ બાદ પણ હજુ સારવાર હેઠળ છે.
દરમ્યાન પ્રસુતા બહેનોની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો રિપોર્ટ આવતા સોમવારે બી ડિવિઝન પીઆઈ એ. બી. ગોહિલે હોસ્પિટલના સંચાલકો સલીમ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ઝકરિયા પલ્લા અને સોહિલ હબીબભાઈ સમાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. મંગળવારે ત્રણેયને કોર્ટમાં રજુ કરતા અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેના પગલે પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા.જૂનાગઢ) (૩૮.૨૦)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
