News of Wednesday, 3rd September 2025
તળાજાના રોયલ બાબરિયાત વચ્ચે એસ.ટી બસ અને છકડો વળાંકમાં સામસામે આવતા છકડાની ગુલાંટ : ૧૨ ઇજાગ્રસ્ત

ભાવનગર, તા.,૩ : ભાવનગર જિલ્લાના તળાજા નજીકના રોયલ બાબરિયાત ગામ વચ્ચેના માર્ગ વળાંકમા એસ. ટી બસ અને છકડો સામસામે થઈ ગયા હતા. બંનેની સ્પીડ આ રોડ પર હોવી જોઇએ તેના કરતાં વધુ હોય જેને લઈ છકડા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને લઈ ચાલક સહિત ૧૨ વ્યક્તિ ઘાયલ થતા તમામને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા કોળી સમાજના આગેવાનોએ દોડી જઈ માનવધર્મ નિભાવ્યો હતો.
તળાજા નજીકના માર્ગો પર ખેત મજૂરોને ઠાંસી ઠાંસીને છકડામાં જીવના જોખમે બેસાડીને લઈ જવામાં આવે છે. જેના કારણે વારંવાર છકડો પલટી ખાવા સહિતના અકસ્માતના બનાવો બને છે. કારણકે પેસેન્જર જ એટલા ભર્યા હોય છેકે છકડા ચાલક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસે છે. આવી એક વધુ ઘટના રોયલ બાબરિયાત માર્ગ પર બની. વળાંકમાં ટાણા તરફ જતી એસટી બસ અને તળાજા તરફ ખેત મજૂર મહિલાઓને ભરીને આવતો છકડો સામસામે થઈ જતાં છકડા ચાલકે કાબુ ગુમાવતા છકડો ગુલ્લાટ મારી ગયો હતો. જેમાં છકડા ચાલક ટીડાભાઇ બાંભણિયા, સેજલબેન બાંભણિયા, કિર્તીબેન બારૈયા, સોનલબેન બાંભણિયા, રાજુશ્રીબેન વાસિયા, જયશ્રીબેન વાસિયા, ઉર્મિલાબેન ચુડાસમા, જયાબેન બાંભણિયા, નાનજીભાઈ બાંભણિયા, જાગળતીબેન ચૌહાણ, કાજલબેન બારૈયા, ગીતાબેન બારૈયાને સારવાર અર્થે હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા તળાજા પાલિકાના પૂર્વ પ્રમુખ વિનુભાઈ વેગડ, પ્રકાશભાઈ સરવૈયા (દાબેલી), છગનભાઈ ભીલ સહિતના હોસ્પિટલે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તોને મદદરૂપ થવાની સાથે આઈસ્ક્રીમ ઠંડુ પીણું ચા સહિત આપીને માનવતા મહેકાવી હતી. કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તમામ ઇજાગ્રસ્ત બહેનો તળાજાની મજુર સોસાયટી ખાતે રહે છે. તળાજા શહેરની બજાર હોય કે સ્ટેટ કે નેશનલ હાઈવે પર ૧૦ થી વધુ શ્રમિકોને બેસાડી છકડા ચાલક સ્પીડમાં છકડો ચલાવી પસાર થતા જોવા મળે છે. તળાજા પંથકમાં છકડો પલટી ખાઈ જવાની વારંવાર ઘટના બને છે છતાં નિયમનો સરા જાહેર ઉલ્લંઘન થતું જોવા મળે છે છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે ગરીબ પરિવારના સભ્યોને જીવ ગુમાવવાનો વારો આવે છે આથી કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરતા છકડા ચાલક સામે કાર્યવાહી કરવી રહી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
