News of Wednesday, 3rd September 2025
મોરબીઃ ફાયરીંગનો વિડીયો સોશિયલ મીડીયામાં અપલોડ કરનારની ધરપકડ
સ્વાતંત્ર્ય પર્વના દિને ફેકટરીમાં જાહેરમાં પરવાના વાળા હથિયારમાંથી રણવિજય શાહે ફાયરીંગ કરતા કાર્યવાહી

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને હથિયાર નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ :.. મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ફેકટરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે મૂળ બિહારના વતની ૪૫ વર્ષીય ઇસમેં પોતાના પરવાના વાળા હથિયાર વડે ફાયરીંગ કર્યું હતું જેનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો જેથી એસઓજી ટીમે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લઈને પિસ્તલ, જીવતા કાર્ટીઝ નંગ ૦૪, અને મોબાઈલ સહીત ૭૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એસઓજીમાં ફરજ બજાવતા જુવાનસિંહ ભરતસિંહ રાણાએ આરોપી રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ (ઉ.વ.૪૫) રહે ગોપાલ સોસાયટી મોરબી ૨ મૂળ રહે બિહાર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાના પરવાના વાળા હથિયારથી હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરી ગત તા. ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિતે લાલપર ગામની સીમમાં આવેલ કુમાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા માણસોની હાજરીમાં પોતાની અને અન્યની જિંદગી જોખમાય તે રીતે જાહેરમાં સ્ફોટક પદાર્થ વડે હવામાં ફાયરીંગ કર્યું હતું
મોરબી એસઓજી ટીમે આરોપી રણવિજય શાહને ઝડપી લઈને આરોપી પાસેથી પિસ્તલ નંગ ૦૧ કીમત રૂ ૫૦ હજાર, કાર્ટીઝ નંગ ૦૬ કીમત રૂ ૪૦૦, મોબાઈલ નંગ ૦૧ કીમત રૂ ૨૫,૦૦૦ મળીને કુલ રૂ ૭૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
