<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

રાજકોટમાં એકસાથે આઠ શાળાઓનેે તાળા વાગ્યા

શાળાઓને નોટીસ પાઠવીને તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છેઃગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપૂરની આવી ૮ શાળાને તાળા મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે

રાજકોટ,તા.૩

સૌરાષ્ટ્રના રાજકોટમાંથી વિદ્યાર્થી વિનાની ૮ શાળાઓ બંધ કરવા માટે ડીઈઓ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર, આ શાળામાં બાળકો શૂન્ય, નહિવત અથવા ફક્ત RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ભણતા હતા. તેથી વિદ્યાર્થીઓની કમીના કારણે શાળાઓને નોટીસ પાઠવીને તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મળતી માહિતી મુજબ, જે શાળાઓ ફક્ત કાગળ પર ચાલતી હતી અને વિદ્યાર્થીઓ ન હતા. ગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપૂરની આવી ૮ શાળાને તાળા મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોની સુનાવણી માટે તેમને રૃબરૃ બોલાવ્યા હતા. ત્યાર બાદ તેમની સાથે વાટાઘાટો કરી તમામ ૮ શાળા રદ કરવા શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે.

આ વિશે વધુ માહિતી આપતા ડીઈઓ દિક્ષીત પટેલે કહ્યું કે, રાજકોટમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, અમુક શાળાઓ છેલ્લાં ૫ વર્ષથી બંધ હતી. આમાંથી અમુક શાળામાં શૂન્ય, અમુકમાં નહિવત તો અમુક પ્રાઇવેટ સ્કૂલમાં તો ફક્ત આરટીઈના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેથી આ શાળા બંધ કરવા અને શાળાની માન્યતા રદ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં ગાંધીનગરથી આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય જે બાળકો આરટીઈ હેઠળ અભ્યાસ કરતા હતા તેમને અન્ય શાળામાં ટ્રાન્સફરની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ જો અન્ય કોઈ બાળક શાળામાં હોય તો તેમનું પણ ટ્રાન્સફર કરવામાં આવશે.

કઈ શાળાઓમાં વાગશે તાળા?

રોટરી મીડટાઉન - મેટોડા

વિદ્યામંદિર ઇંગ્લીશ સ્કૂલ - ગોંડલ

સરસ્વતી વિદ્યાલય - મોટીમારડ (ધોરાજી)

શ્રેયસ સંસ્કાર મંદિર - જસદણ

અવધ વિદ્યાલય - વસાવડ

રાધે-ક્રિષ્ના પ્રાથમિક શાળા - વસાવડ

નવ વિધાન વિદ્યાલય પ્રા.શાળા - ગોંડલ

શિવશક્તિ વિદ્યા મંદિર - શિવરાજપુર

(10:17 PM IST)