<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

‘આપ' તાલુકા, જિલ્લા, પાલિકા, મનપા ચૂંટણી એકલા હાથે લડશેઃ ઈસુદાન :જુઓ વિડીયો

જસદણમાં ઈસુદાન ગઢવીની જનસભાઃ વરસતા વરસાદ વચ્‍ચે મોટી સંખ્‍યામાં લોકોએ આપ્‍યું ‘આપ'ને સમર્થનઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખની ઉપસ્‍થિતિમાં આયોજિત સંમેલનમાં રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના ૩૦૦થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા : ભાજપ ખેડૂતો માટે પાંચ સારા કામ કરી આપે તો રાજનીતિમાંથી સંન્‍યાસ લઈશઃ સરકાર ખેતીમાં વધારો થવા નથી દેતી, મનરેગામાં ભ્રષ્ટાચાર કરે છેઃ અદાણીને પાણીના ભાવે જમીન, ગરીબોની દુકાનો ગેરકાયદેસર? ભાજપના નેતાઓની મિલકતો જપ્ત કરી ખેડૂતોના ખાતામાં પૈસા નાખીશું: ઈસુદાન ગઢવીની ચેતવણી

રાજકોટ, તા.૫ : રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ગુજરાત જોડો જનસભા યોજાઇ હતી. આ સભા દરમિયાન અતિશય વરસાદ ચાલુ હતો તેમ છતાં પણ ખૂબ જ મોટી સંખ્‍યામાં લોકો હાજર રહ્યા હતા અને છત્રીઓ માથે રાખીને મોટી સંખ્‍યામાં લોકોએ સભામાં આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું. અતિશય વરસાદ હોવા છતાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જસદણના લોકોને સમક્ષ પોતાનું જબરદસ્‍ત ભાષણ આપ્‍યું હતું. આ દરમિયાન બીજી પાર્ટીઓના ઈમાનદાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે સાથે સહકારી મંડળીઓના આગેવાનો, સામાજિક આગેવાનો સહિત ૩૦૦ થી ૪૦૦ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત જોડો જન સભામાં અત્‍યાર સુધી લાખોની સંખ્‍યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને આ ચોક્કસપણે પરિવર્તનના સંકેત છે.

આ જનસભા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, જસદણની સભામાં ચાલુ વરસાદમાં સેંકડોની સંખ્‍યામાં લોકો છત્રીઓનો માથે રાખીને અને ઘણા લોકો પલડતી હાલતમાં સભામાં ઉપસ્‍થિત રહ્યા હતા. લોકોનો આ ઉત્‍સાહ જ અમને ખૂબ જ ઉર્જા આપે છે. આજે મેં જસદણમાં જોયું કે ભાજપની સામે લોકો હવે સ્‍વયંભૂ બહાર આવી રહ્યા. ભાજપના પ્રધાનમંત્રી પણ જ્‍યારે કોઈ સભા માટે આવતા હોય છે ત્‍યારે ૧૦૦- ૧૫૦ બસો મુકાતી હોય છે અને તલાટીઓને, પોલીસને, બુટલેગરોને ટાર્ગેટ આપવામાં આવે છે તેમ છતાં પણ લોકો તેમની સભામાં બેસવા તૈયાર નથી. પરંતુ આજે અમે જોયું કે સ્‍વયંભૂ આમ આદમી પાર્ટીની સભામાં આટલા લોકો આવી રહ્યા છે તો ચોક્કસ ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે તે સ્‍પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

સાથે સાથે જેટલા પણ સારા અને ઈમાનદાર લોકો છે, ભલે કોંગ્રેસ કે અન્‍ય સામાજિક અને રાજકીય આગેવાનો હોય એવા અનેક લોકોની સાથે સાથે ૩૦૦ થી ૪૦૦ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સહકારી ક્ષેત્રમાં મોટું નામ હોય એવા લોકો પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના મોટા નેતાઓને હરાવી શકીએ એના માટે અમે ફક્‍ત નિમિત બની રહ્યા છીએ કારણકે અમે કાંઈ જ નથી, સામાન્‍ય ખેડૂત પરિવારમાંથી આવેલા લોકો છીએ પરંતુ ગુજરાતની જનતા પોતે પરિવર્તન માટે નીકળી છે અને અમે માત્ર નિમિત બની રહ્યા છીએ. અહીંના મંત્રીએ ઘણી કોશિશો કરી કે આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય તેમ છતાં પણ સામેથી પ્રજા આવી રહી છે તે એક સ્‍પષ્ટ મેસેજ છે કે પરિવર્તન આવી રહ્યું છે. હજુ પણ ભાજપના નેતાઓને અને મુખ્‍યમંત્રીને કહેવા માંગીએ છીએ કે તમારી પાસે પોણા બે વર્ષ છે સારા કામ કરવા માટે. તો ભાજપના નેતાઓ અને મુખ્‍યમંત્રીને કહીશ કે સારા કામ કરી લો, ખેડૂતોના દેવા માફ કરી દો, ખેડૂતો માટે સારી યોજનાઓ બહાર પાડો, ગરીબો વંચિતો શોષિતોને ફાયદો થાય તેવા કામ કરો, બેરોજગાર યુવાનો માટે કામ કરો, સરકારી કર્મચારીઓ માટે કામ કરો, સરકારી ભરતીઓ કરો, કારણકે હવે તમારી પાસે કોઈ બીજો મોકો નથી.

 જસદણમાં આયોજિત જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચાલુ વરસાદમાં ભાષણ આપતા જણાવ્‍યું હતું કે, હું કહું એ પાંચ કામ આ સરકાર ખેડૂતો માટે કરી આપે હું આજીવન રાજનીતિમાંથી સન્‍યાસ લેવા તૈયાર છું. મારે કશું જ જોતું નથી, જો આજે અમે ખેડૂતો માટે લડીશું નહીં તો તેમની સંપત્તિમાં ખાલી છોકરાઓ રહેશે અને એ પણ વાંઢા રહેશે. એટલા માટે જ અમે ખેડૂતો અને ગુજરાતના યુવાનોને બચાવવા નીકળ્‍યા છીએ. સરકાર ખેતીમાં વધવા દેતી નથી, મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરે છે, પેપરો ફૂટી જાય છે. દુકાનો બનાવો તો ગેરકાયદેસર કહીને તોડી નાખે છે. અમદાવાદમાં એક મહિલા વેપારી જે ભાજપને મત આપતા હતા એ પોતાની દુકાન બચાવવા માટે જીવતી સળગી ગયા, એ દુકાને તમને ગેરકાયદેસર લાગે છે જ્‍યારે અદાણીને તમે કરોડોની જમીન પાણીના ભાવે આપી દો છો શું એ તમારી પોતાની જાગીર છે. પહેલો હક ગરીબોનો, વંચિતોનો, ખેડૂતોનો છે અને એ આપણે લઈને જ જંપીશું એટલા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ.

(3:47 PM IST)