<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ભચાઉમાં ચાર ઇંચ, રાપરમાં બે, ગાંધીધામ એક ઇંચ વરસાદ સાથે કચ્છમાં ગાજવીજ અને વરસાદી માહોલ : જુઓ વિડિઓ

રાત્રે ૧૨ વાગ્યા સુધી અંજાર, ભુજમાં પોણો ઇંચ, જિલ્લા કલેક્ટરની લોકોને સાવચેતીની અપીલ સાથે જાહેરનામું

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે આગાહી પ્રમાણે કચ્છના પૂર્વીય ભાગ વાગડના ભચાઉ, રાપરથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં વરસાદના આંકડાઓ જોઈએ તો ભચાઉમાં ચાર ઇંચ અને રાપરમાં બે ઇંચ વરસાદ પડી ગયો છે. પૂર્વ કચ્છના ગાંધીધામમાં એક અને અંજારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં જિલ્લા મથક ભુજમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં અબડાસા, લખપત, નખત્રાણા, મુન્દ્રા અને માંડવીમાં વરસાદી માહોલ સાથે છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ છે. જોકે, ગોરંભાયેલા આકાશ વચ્ચે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. રવિવારે અતિ ભારે વરસાદની આગાહીના રેડ એલર્ટ સાથે રાજ્ય સરકારની સૂચના અનુસાર કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ છે અને કલેક્ટર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

(12:20 AM IST)