<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ભચાઉ અને રાપરમાં દે ધનાધન ૪ થી ૪.૫ ઇંચ વરસાદ : કચ્છના અનેક તાલુકા પાણી પાણી : રેડ એલર્ટ જાહેર

ગાંધીધામ, અંજાર અને ભુજમાં પણ દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો : સંભવિત આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડ બાય

(વિનોદ ગાલા દ્વારા), ભુજ : કચ્છમાં ગઈકાલે સાંજે ૪ વાગ્યાથી વાતાવરણમાં આવેલા પલટા બાદ આજે સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભચાઉ અને રાપર તાલુકામાં વરસ્યો છે, જ્યાં અનુક્રમે સાડા ચાર ઇંચ અને ચાર ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આ ઉપરાંત, પૂર્વ કચ્છના મુખ્ય શહેર ગાંધીધામમાં બે ઇંચ અને અંજાર તથા ભુજમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં લખપતમાં પોણો ઇંચ જ્યારે નખત્રાણા, અબડાસા, લખપત, મુન્દ્રા અને માંડવીમાં છૂટાછવાયા ઝરમર વરસાદના ઝાપટાં પડ્યા છે.
આજે સવારથી જ સેટેલાઇટ ઇમેજમાં કચ્છ ઉપર વાદળોની જબરજસ્ત જમાવટ જોવા મળી રહી છે. જોકે, સવારે ૧૦ વાગ્યા સુધીમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.
વરસાદની સંભાવનાને જોતા સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવધાની રાખવાની સલાહ અપાઈ છે. સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

 

(1:43 PM IST)