<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

કચ્છના અંજારમાં હૃદય કંપાવતી ઘટના : રમતા રમતા ખુલ્લા પાણીના ટાંકામાં પડતા બે માસૂમ ભાઈઓનો કરુણ મોત

મૂળ બિહારના શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું : પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી : સમગ્ર અંજાર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

(વિનોદ ગાલા દ્વારા ભુજ) અંજાર, કચ્છ: એક અત્યંત હૃદયદ્રાવક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, અંજાર ખાતે બે માસૂમ સગા ભાઈઓનો ભોગ લેવાયો છે. બાળકોની રમત એક પળમાં જ માતમમાં ફેરવાઈ ગઈ અને હસતા રમતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. મૃતક બાળકોની ઓળખ ૬ વર્ષના અંકુશ અને ૭ વર્ષના અભિનંદન તરીકે થઈ છે, જેઓ મૂળ બિહારના અને હાલ કર્મચારી કોલોનીમાં રહેતા શ્રમિક બિટ્ટુ તિવારીના દીકરાઓ હતા.
બનાવની વિગતો અનુસાર, બંને ભાઈઓ તેમના ઘરની આસપાસના વિસ્તારમાં રમી રહ્યા હતા. રમતા રમતા તેઓ નજીકમાં જ બની રહેલા એક નવા મકાન પાસે પહોંચ્યા. આ મકાનની બાજુમાં ખુલ્લો અને પાણીથી ભરેલો ટાંકો હતો, જે અજાણતાં જ બે માસૂમ જીવન માટે કાળ બની ગયો. બાળકો અકસ્માતે આ ટાંકામાં પડી ગયા અને લાંબા સમય સુધી તેમની ભાળ ન મળતા પરિવારજનો ભયભીત બની ગયા.
બાળકો ક્યાંય ન દેખાતા હાંફળા ફાંફળા થયેલા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. બનાવની ગંભીરતાને સમજીને અંજાર પોલીસની એક ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી. પોલીસ અને પરિવારજનો દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી. અંતે, મકાનના એ જ પાણીના ટાંકામાંથી બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા. તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
એક જ સાથે બે ફૂલ જેવા સંતાનોને ગુમાવવાની આ કરુણ ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યો છે. આ હૃદય કંપાવતી ઘટનાએ માત્ર પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર અંજાર પંથકમાં પણ ભારે શોકનું મોજું ફેલાવી દીધું છે.

 

(3:56 PM IST)