<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

વેરાવળના વાવડી ગામે સોશ્યલ મીડિયાના વિડીઓથી ખેલાયો ખૂની ખેલ: એકનું કરુણ મોત:ત્રણને ગંભીર ઇજા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં વાવડી ગામના સરપંચ દ્વારા મેવાડા પરિવારને ગૌચરની જમીન આપી દીધાનો આક્ષેપ કર્યો હતો

વેરાવળના વાવડી ગામમાં સોશિયલ મીડિયા પર મુકાયેલા વીડિયોને લઈને થયેલો વિવાદ હિંસક બન્યો હતો અને ખૂની ખેલમાં એકનું કરુણ મોત થયું છે, જ્યારે 3 ને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના અંગે વિભાગીય પોલીસ અધિકારી વી.આર. ખેંગારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળ તાલુકાના વાવડી ગામે ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગમાલ સોલંકી નામના યુવકે બે કે ત્રણ દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં વાવડી ગામના સરપંચ દ્વારા મેવાડા પરિવારને ગૌચરની જમીન આપી દીધાનો આક્ષેપ કર્યો હતો અને જેના કારણે મેવાડા પરિવારના રાજા ભીખાભાઈ મેવાડા, પ્રવિણ કરસનભાઈ મેવાડા અને દીપક સીદીભાઈ મેવાડા સહીતના લોકો દ્વારા ગઈકાલે તારીખ 6 ના ગામના ઝાપે આવેલા ભગીરથ પાન પાસે ગોપાલ સોલંકીને ઠપકો આપવા જતા ગોપાલ ઉશ્કેરાઈ ગયો હતો અને તમામ લોકો ઉપર છરી વડે હીચકારો હુમલો કરી દીધો હતો. 

હુમલાની ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી રાણાભાઇ મેવાડાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. ઘટના બનતા આરોપી ફરાર થઇ ગયો હતો જેને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ એન બી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટિમ દ્વારા હ્યુમન સોર્સીસના આધારે ગત રાત્રિના જ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીએ ગુનાના કામે વાપરેલ છરીને પણ કબજે કરી લેવામાં આવી છે.

હાલ પોલીસે આ ઘટના સંદર્ભે આરોપી યુવક ગોપાલ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં મૃતકના પિતરાઈ ભાઈ દિપક મેવાડાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:17 PM IST)