<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

પ્રેમલગ્નના ક્રોધમાં સસરાએ જમાઈ પર ફાયરિંગ કર્યું : કચ્છના મુન્દ્રાના વવાર ગામે ચકચાર મચી

જાહેર ચોકમાં પિસ્તોલથી હુમલો : જમાઈને પીઠમાં ગોળી વાગતા ગંભીર ઈજા : આરોપી પિતા સામે નોંધાઈ ફરિયાદ : છેલ્લા ૧૨ દિવસમાં કચ્છમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો

વિનોદ ગાલા દ્વારા, ભુજ: કચ્છમાં કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ફેંકતી અપરાધની ઘટનાઓમાં સતત ઉછાળો આવી રહ્યો છે. પોલીસની સક્રિય કામગીરી છતાં, આવા જ એક વધુ સનસનાટીપૂર્ણ બનાવમાં મુન્દ્રા તાલુકાના વવાર ગામે એક સસરાએ પોતાના જમાઈ ઉપર પિસ્તોલથી ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પ્રાંગપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આજે રવિવારના બપોરના અરસામાં વવાર ગામની ચારણ સમાજવાડી નજીક જાહેર ચોકમાં ૨૭ વર્ષીય ભીમા રામભાઈ ગઢવી ઊભા હતા. તે સમયે ગામના જ પંતુ લધાભાઈ ગઢવીએ તેમની ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ભોગ બનનાર ભીમા રામભાઈ ગઢવીને પીઠના પાછળના ભાગે ગોળી વાગતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગોળી વાગતા ઘાયલ થયેલા યુવાન ભીમાને તાત્કાલિક સારવાર માટે પહેલા મુન્દ્રાની હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હુમલાનું કારણ પ્રેમલગ્ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઈજાગ્રસ્ત ભીમા ગઢવીએ દોઢેક મહિના પૂર્વે ફાયરિંગ કરનાર પંતુ લધાભાઈ ગઢવીની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને પંતુ ગઢવીએ આ જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૨ દિવસના ટૂંકા ગાળામાં કચ્છમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ભુજ, રાપર, ભચાઉ અને મુન્દ્રા જેવા જુદા જુદા વિસ્તારોમાં હત્યાના બનાવો બની ચૂક્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે.

 

(8:31 PM IST)