<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

મોરબીમાં અશ્રુભીની આંખે ‘અગલે બરસ તું જલ્દી આ’નાં નારા સાથે ગણપતિ વિસર્જન કરાયું, પોલીસ અને ફાયર વિભાગનો ચુસ્ત બંદોબસ્ત.

વરસાદી માહોલમાં વાજતેગાજતે શહેરીજનો દ્વારા ગણેશોત્સવની પૂણાર્હુતિ: મોરબીમાં ચાર દિવસમાં પીકનીક સેન્ટર પર એકત્ર થયેલ 820 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા )  મોરબી શહેરમાં ગણપતિ મહોત્સવનો અંતિમ દિવસ ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ખુદ સર્જનહારનું વિસર્જન કરવામાં આવ્યું, ગણપતિ બાપ્પા ને માનભેર વિદાય આપવામાં આવી હતી,એક તરફ ગણેશ વિસર્જનની ભક્તિમય ઉલ્લાસભરી પળો હતી, તો બીજી તરફ મોરબીમાં વરસી રહેલો વરસાદ પણ આ વાતાવરણને વધુ ભક્તિમય બનાવી દીધુ. વરસતા વરસાદે ‘અગલે બરસ તું જલ્દી આ‘નાં નારા સાથે વિઘ્નહર્તાને ભાવભરી વિદાઈ આપવામાં આવી હતી. આ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે નિર્ધારિત કરેલા સ્થળો ખાતે મોરબી મનપા દ્વારા ફાયર વિભાગ  હતો.સાથે સાથે તરવૈયાઓની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, તેમજ ખાસ ટ્યુબની સાથે તરવૈયાઓ પણ હાજર રાખવામાં આવ્યા હતા.વરસાદ હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવી હતી, શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

      મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા 4 સ્થળોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે 11 દિવસ બાદ ગણેશ વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો છે. આ વિસર્જન માટે શોભેશ્વર રોડ પરના પિકનિક સેન્ટર ખાતે એક કલેક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસમાં કુલ 820 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જેમાં તા.31ના રોજ 130 મૂર્તિઓ, 02 ના રોજ 76 મૂર્તિઓ, 04 ના રોજ 42 ગણેશજીની મૂર્તિઓ તેમજ 06 ના રોજ 572 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ વિસર્જન કાર્યક્રમમાં ખાસ કરીને મોટી મૂર્તિઓનું વિસર્જન પણ સરળતાથી કરવામાં આવ્યું. જેમાં પટેલ ગ્રુપની મૂર્તિ રાત્રે 10:45 વાગ્યે, મયુરનગરી કા રાજાની મૂર્તિ રાત્રે 3:15 વાગ્યે અને સિદ્ધિવિનાયક કા રાજાની મૂર્તિ સવારે 7:30 વાગ્યે વિસર્જિત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા, પોલીસ અને ફાયર વિભાગની ટીમ 24 કલાક સ્ટેન્ડબાય રહી હતી. વરસાદ હોવા છતાં, આ ટીમોએ સંપૂર્ણ સહયોગ અને ખંતપૂર્વક કામગીરી કરી હતી, જેથી કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના વિના આ કાર્યક્રમ સુચારું રીતે પૂર્ણ થઈ શક્યો હતો.
મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની મૂર્તિનું રવિવારે સવારે 7:30 કલાકે કર્યું વિસર્જન: મહાપાલિકા-પોલીસે 24 કલાક ખડેપગે રહ્યું.
અધિકારી જણાવ્યુ હતુ કે, મોરબી જે મોટા ગણેશ મહોત્સવ હતા તેના આયોજકો સૌથી છેલ્લે તેની મૂર્તિઓ લઈને આવ્યા હતા જેમાં પટેલ ગ્રૂપ કા રાજા શનિવારે રાતે 10:45 કલાકે, મયુર નગરી કા રાજા રવિવારે વહેલી સવારે 3:15 કલાકે અને સિધ્ધી વિનાયક કા રાજા રવિવારે સવારે 7:30 કલાકે મૂર્તિ લઈને આવ્યા હતા આમ સતત 24 કલાક સુધી ખડેપગે રહીને ગણેશજીની મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, એસોજી, એલસીબી સહિતની ટીમો બંદોબસ્તમાં ખડેપગે તૈનાત રહી હતી

(10:28 PM IST)