<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘમહેર યથાવતઃ ૧ થી ૪ ઇંચઃ પવનના સૂસવાટા

માળીયામિંયાણા-૪, મોરબી-દસાડા-ચોટીલા-ર, ટંકારા, વઢવાણ, ધ્રાંગધ્રા, સાયલા-થાનગઢમાં દોઢ ઇંચ વરસ્‍યો

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘમહેર યથાવત  છે અને ઝાપટાથી માંડીને ૪ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે. અને પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.

મોરબી જીલ્લાના માળીયામિંયાણામાં ૪, મોરબી, દસાડા, ચોટીલામાં ર ઇંચ વરસાદ પડયો છે. જયારે ટંકારા, વઢવાણ, ધ્રાંગધ્રા, સાયલા, થાનગઢમાં દોઢ ઇંચ વરસ્‍યો છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી ૨૪ કલાકમાં માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્‍યો હતો તે ઉપરાંત અન્‍ય ચાર તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્‍યો છે.

            રવિવારે સવારે ૬ થી સોમવારે સવારે ૬ સુધીના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં ૧૧૬ મીમી, મોરબી તાલુકામાં ૮૫ મીમી, ટંકારા તાલુકામાં ૬૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૧ મીમી અને હળવદ તાલુકામાં ૬૨ મીમી વરસાદ વરસ્‍યો છે મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચથી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્‍યો હતો તેમજ સોમવારે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :  ભાવનગર જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી યથાવત છે. પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાછેભાવનગરમાં વરસાદી માહોલ વચ્‍ચે માત્ર હળવા ઝાપટા પડે છે.

ગોહિલવાડ પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઝરમર થી લઈ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે . જિલ્લાના સિહોર ,વલભીપુર, ઉમરાળા તાલુકામાં ઓ અડધા ઇંચ વરસાદ પડ્‍યો છે. જ્‍યારે અન્‍ય તાલુકામાં હળવા ઝાપટા વરસી ગયા હતા.

આજે સોમવારે સવારે ભાવનગર શહેરમાં તડકો નીકળ્‍યો હતો. જોકે વરસાદની આગાહી યથાવત હોય વરસાદ પડે તેવી સંભાવના છે.

 

(10:59 AM IST)