News of Monday, 8th September 2025
પોરબંદર રેલવે વિભાગે ફાટક બંધ કરી દેતા સ્થાનિકોમાં રોષ : 7 દિવસમાં ખુલ્લું ન મુકાય તો આંદોલનની ચીમકી
ફાટક બંધ થવાના કારણે આ વિસ્તારના વેપારીઓના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી

પોરબંદર રેલવે વિભાગ દ્રારા ઉદ્યોગનગરનું ફાટક બંધ કરી દેવામા આવતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યા છે. વધુ એક વખત પારસનગર, મીરાનગર સહિતના સ્થાનિકો તેમજ આશાપુરા ચોકડી વિસ્તારના વેપારીઓ આજે ઉદ્યોગનગર ફાટક ખાતે એકત્રી થઇ વિરોધ વ્યકત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ફાટક બંધ થવાના કારણે આ વિસ્તારના વેપારીઓના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી છે.
ધંધા-રોજગાર પર માઠી અસર પડતા સ્થાનિકોએ તાત્કાલિક ફાટક ખોલવાની માંગ કરી હતી. વિરોધ કરી રહેલી સ્થાનિક મહિલાઓએ એવું જણાવ્યુ હતું કે ફાટક બંધ થવાના કારણે ખાસ મહીલાઓ અને વૃધ્ધો અને બાળકોને વધુ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો નરસંગટેકરી જવા માટે 75 પગથયા ચડવા-ઉતરવા પડે છે જેના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે.
વરસાદી પાણીના નિકાલ માટે રેલવે વિભાગની અણઆવડતના કારણે ચોમાસાના સમયમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. ઉદ્યોગનગરનું ફાટક સાત દિવસમાં ખુલ્લું મુકવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી.
આ મુદે સ્થાનિકો જીલ્લા કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા ગયા હતા. કલેકટર એસ ડી ધાનાણીએ એવું જણાવ્યું હતું કે લોકોની રજુઆત મળી છે આથી આ મુદે રેલવે વિભાગના અધિકારી સાથે બેઠક યોજી અને યોગ્ય નિર્ણય કરવામા આવશે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
