<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા ધર્મેશ કાનાણીની ધરપકડ

AAPના ધર્મેશ કાનાણી દ્વારા મનસુખ પારટીયાના જામીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલવંસી મેળવવા માટે બેંકના દસ્તાવેજોમાં છેડછાડ કર્યાનો આરોપ

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના લીગલ સેક્રેટરી અને જૂનાગઢ જિલ્લા AAPના પદાધિકારી ધર્મેશ કાનાણીની બોગસ દસ્તાવેજો બનાવવાના આરોપસર SOG દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. કોર્ટમાં જામીન માટે જરૂરી સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે બેંકના દસ્તાવેજોમાં છેડછાડ કરી નકલી દસ્તાવેજો રજૂ કરવાનું આ કૌભાંડ વિસાવદર મામલતદાર કચેરીની સતર્કતાને કારણે પકડાયું હતું.

   આ કેસના મૂળમાં મનસુખ પાટરીયા નામના વ્યક્તિને કોર્ટમાં જામીન માટે 75 હજારના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂરિયાત હતી. સોલ્વન્સી સર્ટિફિકેટ માટે મિલકતની કિંમતમાંથી દેવું (બોજો) બાદ કરવામાં આવે છે. મનસુખ પાટરીયાની મિલકત પર યુનિયન બેંકનો ₹3,36,997નો લોન હતી. આ લોનની રકમ બાદ કરતાં તેમની મિલકતની કિંમત માત્ર ₹64,730 રહેતી હતી, જે 75 હજારના સર્ટિફિકેટ માટે અપૂરતી હતી. આ કારણે કાયદેસર રીતે સર્ટિફિકેટ નીકળી શકે તેમ ન હતું. કાયદાકીય પ્રક્રિયામાં નિષ્ફળ જતાં મનસુખ પાટરીયાએ ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ કાનાણીએ 7 હજાર લઈને ખોટી રીતે સર્ટિફિકેટ કઢાવી આપવાની ખાતરી આપી હતી.

ધર્મેશ કાનાણીએ યુનિયન બેંકના બોજા સર્ટિફિકેટમાં છેતરપિંડી કરી. તેણે ₹3,36,997ની રકમમાંથી આગળનો '3'નો આંકડો દૂર કરીને રકમને માત્ર ₹36,997 કરી દીધી, જેથી મિલકતની કિંમત ઊંચી દેખાય. આ નકલી બેંક સર્ટિફિકેટના આધારે, ધર્મેશ કાનાણીએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદીને એક ખોટું સોગંદનામું (એફિડેવિટ) તૈયાર કર્યું. આ તમામ બોગસ દસ્તાવેજો અને ખોટા સોગંદનામાને સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે વિસાવદર મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા. 

 મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી દરમિયાન અધિકારીઓને શંકા જતાં તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરી, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. જે બાદ વિસાવદર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. SOGએ ફરિયાદના આધારે કાર્યવાહી કરતા ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરીયાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 465 (ખોટો દસ્તાવેજ બનાવવો), 467 (કિંમતી જામીનગીરીની બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવો), 193 (ખોટો પુરાવો આપવો), 196 (ખોટા પુરાવાનો ઉપયોગ કરવો) અને 511 (ગુનો કરવાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને જૂનાગઢ જિલ્લા AAPના લીગલ સેક્રેટરીનો હોદ્દો ધરાવે છે. તે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના કાયદાકીય દસ્તાવેજોની કામગીરી પણ સંભાળતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

 

(11:40 PM IST)